વડોદરા અને SOU ના મહેમાન બનશે સૌરાષ્ટ્રીયન તમીલ સમુદાય- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતીઓને પણ પાઠવ્યું આમંત્રણ

ગુજરાત(Gujarat): અરબી સમુદ્ર જેમના પાદપ્રક્ષાલ કરે છે એવા ભગવાન શ્રી સોમનાથની નિશ્રામાં આગામી દિવસોમાં યોજનારા ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ(saurashtra tamil sangam) દેશની એકતા અને અખંડિતતા માટે મહત્વપૂર્ણ પૂરવાર થવાનો છે, ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) દ્વારા વડોદરા(Vadodara) ખાતે નાગરિકોને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

વડોદરા ખાતે સમુહ માધ્યમો સાથે વાતચીત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉક્ત કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્યના વિવિધ સ્થળોએ સૌરાષ્ટ્ર તમીલ સંગમ કાર્યક્રમ આગામી તા. ૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાવાનો છે. તેમાં મૂળ સૌરાષ્ટ્રના અને સદીઓ પહેલા હિજરત કરી તમીલનાડુમાં સ્થાયી થયેલા અનેક લોકો સહભાગી બનશે. સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાતા આ નાગરિકો ખાસ ૧૦ ટ્રેન મારફત ગુજરાતના પ્રવાસે આવશે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું છે કે, સદીઓ પહેલા ગઝની અને ખીલજીએ સોરઠ ઉપર કરેલા આક્રમણને કારણે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અનેક લોકો સ્થળાંતર કરી, તમિલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં જઈને સ્થાયી થયા હતા. આ લોકો સ્થાયી થયા બાદ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા. સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં થયેલું આ સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરો પૈકીનું એક છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી આ લોકોનું સદીઓના અંતરાલ પછી સૌરાષ્ટ્ર સાથે અનોખું પુનઃમિલન થશે, જે એક ઐતિહાસિક ઘટના હશે.

કાર્યક્રમની રૂપરેખા આપતા રાજ્યમંત્રીએ જણાવતા કહ્યું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથમાં યોજાશે, જ્યારે પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે. જેના માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્રકામ, સંગીત, ડ્રામા, પ્રદર્શન, લોકગાયન, હસ્તકલા, ભાષાના વર્કશોપ, રાંધણકલા, શોપિંગ ફેસ્ટીવલ, બિઝનેસ મીટ અને રમત ગમત વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને વિચારબીજના પરિપાકરૂપે યોજાઇ રહેલા આ કાર્યક્રમ હેઠળ તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન લોકોને ૧૦ દિવસ માટે ગુજરાતના પ્રવાસે લાવવામાં આવશે. તેઓ ગુજરાતમાં સોમનાથથી દ્વારકા સુધીનો રોડ પ્રવાસ કરી વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમની સમીક્ષા કરી રહ્યા છે.

મહત્વનું છે કે, આ પ્રવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ દિવસ માટે ૧૦ ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. જે તમિલનાડુના મદુરાઈથી સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાતના સોમનાથ સુધી અને સોમનાથથી મદુરાઈ સુધી પહોંચાડશે.

સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાતમાં પધારવા માટે આમંત્રણ આપવા માટે અલગ-અલગ ૯ શહેરોમાં રોડ-શો કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રીઓએ રૂબરૂ જઈને સૌને ગુજરાતમાં આવવા માટે આવકાર્યા હતા.

ગુજરાતના મહાનુભાવો જ્યારે ત્યાં ગયા ત્યારે આ નાગરિકો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષો પહેલા ત્યાના રાજાએ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ત્યાં આશરો આપ્યો તે માટે ગુજરાતમાં તેમનું સન્માન પણ કરવામાં આવશે.

વર્ષો પહેલા તમિલનાડુમાં જઈને સ્થાયી થયા હોવા છતાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો આજે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા છે. તેઓ આજે પણ દાદા સોમનાથ અને દ્વારકાના દર્શનાર્થે આવે છે. ત્યારે બંને રાજ્યો વચ્ચેના આ ઐતિહાસિક સબંધને વધુ મજબૂત કરવા માટે અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી માહિતી તેમણે આપી હતી.

આ કાર્યક્રમને લઈને તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન લોકોએ ખુબ જ ઉત્સાહ બતાવ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ તેમનું સૌરાષ્ટ્ર સાથે પુનઃ મિલન કરાવવામાં અને વર્ષો જુના આ સંબંધને ઉજવવામાં કોઈ કસર નહિ રાખે. કેન્દ્ર અને ગુજરાત સરકારે આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર જોશમાં કરી રહી છે. ત્યારે, વડોદરા ખાતે આ આપણા બાંધવો પધારે ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવા હર્ષ સંઘવીએ આહ્વાન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *