વડોદરા ખાણ-ખનીજનો સિનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો, ACBએ કરી 2ની ધરપકડ

Vadodara Bribe News: વડોદરા ખાણ ખનીજ વિભાગમાંથી તાજેતરમાં બદલી થઈને આણંદની કચેરીમાં હાજર થયેલા ક્લાર્ક યુવરાજસિંહને ગઈ રાત્રે એસીબીએ (Vadodara Bribe News) રૂપિયા બે લાખની લાંચ લેતા વડોદરા ખાતે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની સાથે અન્ય એક શખ્સ પણ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે.

રેતીનો સ્ટોક કરવા માટે લાંચની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં અન્યની પણ સંડોવણી બહાર આવી છે. આખી રાત્રી દરમિયાન એસીબીની કાર્યવાહી બાદ આજે સવારે ઘરની સર્ચ શરૂ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના એસીબીના પીઆઇએ ટ્રેપ કર્યા બાદ તેની વધુ તપાસ વડોદરા એસીબીના પીઆઇને સોંપવામાં આવી છે.

ખાણ-ખનીજનો સિનીયર ક્લાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો
ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક ખાણ ખનીજ વિભાગ કોઠી કચેરી આઠમો માળ વડોદરા નાઓને મળેલા.

જેઓએ ફરીયાદીની અરજી મંજુર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રુ.2 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

ACBએ 2ની ધરપકડ કરી
સિનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ લઇ પ્રેમાવતી, રેસ્ટોરન્ટ, BAPS હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યો હતો. જ્યાં તે ફરિયાદી પાસેથી પંચો સમક્ષ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય આરોપીએ મોબાઇલ ઉપર લાંચ લેવા અંગેની સમંતિ આપી હતી.