ભરૂચમાં ગંભીર અકસ્માતઃ ઝઘડીયાના વડીયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી જતા 3ના કમકમાટી ભર્યા મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત

Accident in Bharuch: ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ ભરૂચ(Accident in Bharuch) જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કમકમાટી ભર્યો અકસ્માત સર્જાતા 3 લોકોના થયા મોત
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા વડિયા મંદીરેથી દશમ નિમિત્તે દર્શન કરીને પરત ફરતી વેળા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે ઇજાગ્રસ્ત 23થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોચી હતી. ટ્રેક્ટર પલટી જતાં આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા.

બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થે ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, પોલીસે પણ અકસ્માતે 3 લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

દર્શન કરીને પરત આવતા નડ્યો અકસ્માત
ઉમલ્લા વડિયા મંદીરે દર્શન કરીને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર પલટી ખાતા આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા. અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો ટોળા ઉમટી પડ્યા હતા.