ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સે શ્રીલંકાના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી

સુરતઃ (SGCCI) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ( The Southern Gujarat Chamber of Commerce & Industry) પ્રમુખ વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત મંત્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી મૃણાલ શુક્લએ શ્રીલંકા ખાતે કેબલ્સ એન્ડ કેબલ્સ પ્રાઈવેટ લિમિટેડના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ ડો. પી.એલ.ડે સિલ્વા અને ધ કેપિટલ મહારાજા ઓર્ગેનાઈઝેશન લિમિટેડના એક્ઝિકિયુટીવ ડાયરેક્ટર મિ. નિમલ એસ.કૂક સાથે મુલાકાત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારતની અર્થવ્યવસ્થામાં સતત વૃદ્ધિ થઈ રહી છે, જે દેશની પ્રગતિને દર્શાવે છે. ભારતના એક્ષ્પોર્ટમાં વધારો થતાં એક્ષ્પોર્ટ દર ૫.૩૫% ટકા પર પહોંચ્યો છે. વર્ષ ૨૦૪૭ સુધી એક ટ્રિલિયન એક્ષ્પોર્ટના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં દેશ આગળ વધી રહ્યું છે. ભારતમાં વેપાર માટેની અપ્રતિમ તકો છે. ભારત અનેક ક્ષેત્રે એક્ષ્પોર્ટના નવા દ્વાર ખોલવા માટે પ્રતિબદ્ધ છે. ’

ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ ભારતના વિવિધ ઉદ્યોગોમાં રહેલી વિશાળ તકો વિશે માહિતી આપી હતી. સાથે જ તેમણે ભારત-શ્રીલંકા સાથેના સંબંધોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું.

તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયાએ ભારતમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, સ્ટાર્ટ-અપ્સ, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે આવેલી નાવિન્યતા વિશે વિસ્તૃત સમજ આપી હતી.

મુલાકાત મુખ્યત્વે ભારત અને શ્રીલંકા વચ્ચે સંભવિત વ્યાપારી તકોને ઓળખવા, અન્વેષણ કરવા, વિવિધ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા અને બંને રાષ્ટ્રોના લાભ માટે વેપાર સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને આર્થિક ભાગીદારીના વિસ્તરણ તરફ એક આશાસ્પદ પગલું દર્શાવે છે.

માનદ્ મંત્રી નિરવ માંડલેવાલાએ શ્રીલંકામાં એક્ષ્પોર્ટની રહેલી તકો વિશે માહિતી મેળવી હતી. અંતે, ચેમ્બરના માનદ્ ખજાનચી મૃણાલ શુક્લએ આભાર માન્યો હતો.