કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં એક સાથે 22 લોકોના મોત- જાણો ક્યાં બની કાળજું કંપાવી દે તેવી દર્દનાક ઘટના

એક કાળજું કંપાવી દે તેવી દર્દનાક ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તુર્કી(Turkey)માં કોલસાની ખાણમાં થયેલા બ્લાસ્ટ(blast)માં ઓછામાં ઓછા 22 લોકો(Turkey 22 death)ના મોત થયા છે, જ્યારે ખાણમાં ઘણા લોકો ફસાયા છે, જેમને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટના શુક્રવારે કાળા સમુદ્રના કિનારે સ્થિત બાર્ટિનના અમાસરા શહેરમાં સરકારી TTK અમાસરા મુસે મુદુર્લુગુ ખાણમાં બની હતી.

તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ઉત્તર તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. જોકે ખાણમાં ઘણા લોકો ફસાયેલા છે, જેમને બચાવવામાં આવી રહ્યા છે. ઉર્જા પ્રધાન ફાતિહ ડોનમેઝે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ સૂચવે છે કે બ્લાસ્ટ ફાયરએમ્પના કારણે થયો હતો.

ઘટના અંગે ગૃહમંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું કે, વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હતા. તેઓ બચાવ કામગીરીમાં કોર્ડીનેશન માટે અમાસરા ગયા હતા. મંત્રીએ કહ્યું કે વિસ્ફોટ બાદ મોટાભાગના કામદારો ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ 49 લોકો ઉચ્ચ જોખમવાળા વિસ્તારમાં ફસાયા હતા. તેમણે કહ્યું કે હજુ પણ કેટલા લોકો ખાણમાં ફસાયેલા છે, તે જાણી શકાયું નથી કારણ કે તે 49 લોકોમાંથી ઘણાને બચાવી લેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિન કોકાએ ટ્વિટર પર જણાવ્યું કે વિસ્ફોટમાં 22 લોકોના મોત થયા છે. તે જ સમયે, તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું હતું કે 8 લોકોની હાલત ગંભીર છે.

રાષ્ટ્રપતિ એર્દોગન ઘટનાસ્થળે પહોંચશે:
આ ઘટના અંગે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે તેઓ ઘટનાસ્થળે જશે અને પોતાના તમામ કાર્યક્રમો રદ કરશે. એર્દોગને એક ટ્વિટમાં કહ્યું કે આશા છે કે જાન-માલનું નુકસાન નહીં વધે, ખાણમાં કામ કરતા લોકો જીવિત બહાર આવશે.

300 મીટર નીચે ખાણમાં વિસ્ફોટ:
બાર્ટિન ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે, વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર લગભગ 15:15 વાગ્યે ખાણના પ્રવેશદ્વારથી 300 મીટર નીચે થયો હતો. આમાં 44 લોકો ખાણના પ્રવેશદ્વારથી 300 મીટર નીચે જ્યારે 5 લોકો લગભગ 350 મીટર નીચે ફસાયા હતા.

2014ની ઘટનામાં 300ના મોત થયા હતા:
ન્યૂઝ એજન્સી અલ જઝીરા અનુસાર, તુર્કીમાં ટીવી ચેનલોએ લોકોને ખાણની નજીક આવતા બતાવ્યા, જેમાં લોકોની આંખોમાં આંસુ હતા. આ પહેલા તુર્કીની સૌથી ખરાબ ખાણ દુર્ઘટના પશ્ચિમ તુર્કીના સોમા શહેરમાં 2014 માં થઈ હતી, જ્યાં કોલસાની ખાણમાં આગ લાગવાથી 300 થી વધુ લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *