દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ(Single use plastic ban) લગાવી દેવામાં આવ્યો છે. સરકારે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આજથી આ વસ્તુઓ બનાવવા, વેચવા, ઉપયોગ કરવા, સંગ્રહ કરવા અને નિકાસ કરવા પર પ્રતિબંધ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણ(Pollution)ને ઘટાડી શકાય તે માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો? જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો શું થશે? કઈ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ છે? જાણો 10 મોટા પ્રશ્નોના જવાબ…
સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે?
સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ આ એક એવું પ્લાસ્ટિક છે, જેને માત્ર એક જ વાર વાપરવા માટે બનાવવામાં આવે છે અથવા તો એક વાર ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દેવામાં આવે છે.
કઈ-કઈ વસ્તુઓ પર લાગ્યો છે પ્રતિબંધ ?
પ્લાસ્ટિકની સ્ટીક(કાનનો મેલ સાફ કરવાની સળી), ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની સળીઓ, પ્લાસ્ટિકના ધ્વજ, પ્લાસ્ટિક કેન્ડીની સળી, આઈસ્ક્રીમની પ્લાસ્ટિક સળી, થર્મોકોલ, પ્લાસ્ટિકની પ્લેટો, કપ, ચશ્મા, ચમચી, છરીઓ, સ્ટ્રો, ટ્રે, સ્વીટના બોક્સ લગાવવામાં આવતું પ્લાસ્ટિક, આમંત્રણ કાર્ડ, સિગારેટ પેક, 100 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનર, સ્ટિરર્સ વગેરે પર બેન લગાવવામાં આવ્યો છે.
પ્રતિબંધ તો લગાવવામાં આવ્યો, પરંતુ તેનું પાલન કેવી રીતે થશે?
સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી આ વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા માટે સરકારે કડક માર્ગદર્શિકા લાગુ કરી છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ ઉત્પાદકો, સ્ટોક હોલ્ડર્સ, સપ્લાયર્સ અને વિતરકોને કડક સૂચના આપવામાં આવી છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં આ 19 વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. જો જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ પ્રતિબંધ લાદવામાં નહીં આવે તો તેનું ઉલ્લંઘન કરનારી સંસ્થાઓ બંધ થઈ જશે.
જો ઘરે ઉપયોગ કર્યો તો?
જે વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જો તેનો ઉપયોગ કરતા જોવા મળે તો દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કહેવું છે કે, જો ઘરમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થશે તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાથે જ જો કોઈ સંસ્થા કે કંપની કચરો ફેલાવશે તો તેની પાસેથી 5 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, પર્યાવરણ સુરક્ષા કાયદા હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ હવે આ વસ્તુઓનો ઉપયોગ કરે છે, તો તેને આ કાયદાની કલમ 15 હેઠળ દંડ અથવા જેલ અથવા બંને સજા થઈ શકે છે. કલમ 15માં 7 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
આ બધાની દેખરેખ કોણ રાખશે?
રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ પાસેથી દંડ વસૂલવા માટે જવાબદાર રહેશે. સ્થાનિક સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એવા રિટેલર્સ, વિક્રેતાઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો પાસેથી દંડ વસૂલશે.
શા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દરરોજ 26 હજાર ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, જેમાંથી માત્ર 60% જ એકત્ર થાય છે. બાકીનો કચરો નદી-નાળાઓમાં ભળી જાય છે અથવા પડેલો રહે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર ભારતમાં દર વર્ષે 2.4 લાખ ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. આ મુજબ દરેક વ્યક્તિ દર વર્ષે 18 ગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટનું ઉત્પાદન કરે છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)નો રિપોર્ટ 2017માં આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક ભારતીય દર વર્ષે 11 કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. 2017માં જ, નેચર કોમ્યુનિકેશન્સનો એક અહેવાલ જણાવે છે કે મોટા પાયે કચરો ગંગા નદીમાં વહેવાથી મહાસાગરોમાં પહોંચે છે. મહાસાગરોમાં સૌથી વધુ પ્લાસ્ટિક કચરો ફેલાવવામાં ગંગા નદી બીજા નંબરે છે.
પ્લાસ્ટિક કેટલું જોખમી છે?
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત જોખમી છે. આવા પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી અને તેને બાળી પણ શકાતું નથી. તેમના ટુકડાઓ પર્યાવરણમાં ઝેરી રસાયણો છોડે છે, જે મનુષ્યો અને પ્રાણીઓ માટે જોખમી છે. વધુમાં, સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો વરસાદી પાણીને જમીનમાં પ્રવેશતા અટકાવે છે, જેનાથી ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો થાય છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પમાં બીજું શું?
કેન્દ્ર સરકારે હવે 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભવિષ્યમાં તેમાં વધુ સામગ્રી ઉમેરવામાં આવશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ વિશે પણ જણાવ્યું છે. પ્લાસ્ટિક બેગને બદલે કોટન બેગનો ઉપયોગ કરી શકાય. એ જ રીતે, પ્લાસ્ટિકના બનેલા ચમચીને બદલે, તમે વાંસની લાકડીનો ઉપયોગ કરી શકો છો. તે જ સમયે, પ્લાસ્ટિકના કપને બદલે, કુલહડનો ઉપયોગ કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.