લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં અંડર કોસ્ટ વેચાણ શરૂ થતાં નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

Labgrown Diamond Industry: છેલ્લા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ ઐતિહાસિક તેજી અનુભવી છે. કોરોના બાદ પશ્ચિમી દેશોના યુવાનોએ મોંઘા કુદરતી હીરાના બદલે સસ્તાં કૃત્રિમ હીરા ખરીદવાનું વલણ અપનાવ્યું હતું. કૃત્રિમ હીરા સસ્તાં હોવાની સાથે તે પર્યાવરણને કોઈ નુકસાન નહીં પહોંચાડતા હોવાના માર્કેટિંગ સ્ટ્રેટજીએ પણ આ ઈન્ડસ્ટ્રીના(Labgrown Diamond Industry) વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

તમને જણાવી દઈએ કે પશ્ચિમી દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની ડિમાન્ડ વધતાં સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 5-6 વર્ષમાં અહીંના ઉત્પાદકોએ એટલી મોટી માત્રામાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કર્યું કે હવે આ ઈન્ડસ્ટ્રી માટે જોખમ ઉભું થઇ ગયું છે. કારણ કે ડિમાન્ડ કરતા વધુ ઉત્પાદન હંમેશા આત્મઘાતી નીવડતું હોય છે અને તેવું જ લેબગ્રોન ઇન્ડસ્ટ્રી સાથે થયું.

વર્ષ 2022થી જ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં તેજી આવવા લાગી હતી. જો કે છેલ્લાં ચાર પાંચ મહિનાથી મોટા ઉત્પાદકોએ બજારમાં ટકી રહેવા માટે અંડર કોસ્ટ એટલે કે પડતર કરતાં નીચા ભાવે લેબગ્રોન રફ લોકલ માર્કેટમાં વેચવાની સ્ટ્રેટજી અપનાવતા નાના ઉત્પાદકો, જોબવર્કર્સ, સરીનવાળાથી માંડી આખીય સાઈકલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

મોટા ઉત્પાદકો મોટા ખર્ચાને પહોંચી વળવા માટે અંડર કોસ્ટમાં રફ લેબગ્રોન વેંચી રહ્યાં છે, જેના કારણે ઉદ્યોગની આખીય સાંકળ મુશ્કેલીમાં મુકાય ગઈ છે. લેબર ઘટાડવાની સ્થિતિ ઊભી થઈ છે. લેબર ઓછી મળતા રત્નકલાકારો મુશ્કેલીમાં આવ્યા છે. જેના કારણે લોકો વચ્ચે ગણગણાટ શરુ થયો છે કે લેબગ્રોન ઈન્ડસ્ટ્રીમાં એક ધારો નક્કી થવો જોઈએ. એટલે કે અમુક રકમથી નીચે માલ વેચવો ન જોઈએ. જેથી તમામને વેપાર કરવાની સમાન તક મળે.

આ મામલે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ભાવેશ રાદડિયાએ કહ્યું કે, હીરા ઉદ્યોગમાં સૌ કોઈ વેપારની સમાન તક મળવી જોઈએ. તેથી તે માટે ચોક્કસ ધારા હોવા આવશ્યક છે. તેમણે જણાવ્યું કે  અત્યારે કોઈ નિયમો નહીં હોવાથી નીચા ભાવે રફ વેચાતી હોય છે.  નાના-મોટા વેપારી, ઉત્પાદકોએ ભેગા થઈ ચોક્કસ નિયમો બને તે સમયની જરૂરિયાત છે.