સોખડા ગુણાતીત સ્વામી આપઘાતના કેસમાં આવ્યો નવો વળાંક, પોલીસની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ

વડોદરા(Vadodara): શહેર નજીકના હરિધામ-સોખડાને તીર્થક્ષેત્ર બનાવનાર હરિપ્રસાદ સ્વામીની જીવનભરની મહેનતને સંતોના બે જુથે ધૂળધાણી કરી દીધી છે. તીર્થક્ષેત્ર-કુરૂક્ષેત્ર બનવા સાથે ગુનાઇત ધટનામાં ભિનું સંકેલવાની સાજિસ રચાઇ હોવાનું સપાટી પર આવ્યું છે.

હરિધામ મંદિર કિલ્લેબંધીમાં પરિવર્તિત થયું હોઇ અંદરની વાતો બહાર ન આવે એવો ત્રાગડો રચાતો રહે છે. સત્સંગ સમાજમાં એવી વાત પ્રસરી છે કે બુધવારે રાતે ગુણાતીતચરણ સ્વામીએ રૂમ નં-21માં છતના હુકમાં ગાતરિયું ભેરવી ગળાફાંસો ખાઇ જીવન લીલા સંકેલી દીધી હતી. તેમછતા ઘટના સંદર્ભે જવાબદાર સંતોએ તાલુકા પોલીસને જાણ કર્યા વગર સંતના મૃતદેહને કેમ ઊતારી દીધો હતો.

બીજે દિવસે સવારે નશ્વરદેહને પાલખીમાં બેસાડી હરિધાટે અગ્નિ સંસ્કાર કરવાની વેતરણમાં હતા. એ પળે જ પોલીસની ફિલ્મી સ્ટાઇલ એન્ટ્રી પડતા કાળા કરતૂતનો ભાંડો ફુટયો હતો. સત્સંગ સમાજ પૂછે છે કે સંતે આત્મહત્યા જ કરી હતી તો હરિધામના સંતોએ શા માટે ગભરાવું જોઇએ ? દાળમાં કાંઇક કાળુ હોઇ પડદો પાડવાની સાજિસ રચાઇ હતી ?

સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો ગરમાયો છે. હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કડીમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા. તાલુકા પોલીસે ત્રણેયને નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. એસપી રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત ધ્વના નિવેદન લીધા છે.

એસપીએ સંતોને પૂછ્યું કે, આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલ નથી? તો બીજી તરફ આ સવાલનો સંતો અને સેક્રેટરીએ લૂલો જવાબ આપ્યો હતો, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરી. ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં પણ હોવાની માહિતી પોલીસને આપી. જિલ્લા પોલીસ વડાએ આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે. હવે આ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પાસેથી આંચકી લેવાઇ છે.

ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટા ફરતાં થયા
તો બીજી તરફ સોશિયલ મીડીયામાં પણ ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટ ફરતાં થયા છે. સોખડા હરિધામના ગુણાતીતચરણ સ્વામીની હત્યા? તેવા સવાલ સાથેનો ફોટો વાયરલ થયો છે. હરિધામમાં હવે પછી કોનો વારો? તેવા સવાલ સાથેનો ફોટો પણ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *