આજે અમે તમને એક દાદીની સંઘર્ષ ભર્યા જીવનની કહાની જણાવા જઈ રહ્યા છીએ. જેમણે 77 વર્ષની ઉંમરે નાસ્તાનો વ્યવસાય શરુ કર્યો. દાદી તેમની રોજની દિનચર્યા જણાવતા કહે છે કે, મારુ નામ ઉર્મિલા જમનાદાસ શેઠ છે. દરરોજ સવારે 5:30 વાગે મારો દિવસ શરૂ થઈ જાય છે. સૌપ્રથમ હું મારી પુત્રવધૂ રાજશ્રી અને પૌત્ર હર્ષ માટે ચા અને નાસ્તો બનાવું છું અને પછી હું પોતે નાસ્તો કરતાં-કરતાં છાપું વાંચું છું. ત્યારબાદ મુંબઈના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલા ઓર્ડરને પૂરો કરવા માટે નાસ્તા તૈયાર કરવાનું શરૂ કરું છું. તેઓ આજે પણ મારા હાથે બનાવેલ નાસ્તા પાછળ ફિદા છે. નાસ્તા બનાવ્યા બાદ મારી પુત્રવધુ રાજશ્રી સહિત બીજા બે લોકોની મદદથી બપોરથી નોંધાયેલા ઓર્ડરને ડિલીવર કરવાનું શરૂ કરું છું.
આમ જોવા જઈએ તો, હોમમેઇડ ફૂડ બિઝનેસ ચલાવતી કોઈપણ મહિલાની દિનચર્યા જેવી જ આ દિનચર્યા છે. પરંતુ, મારી વાત અલગ એ રીતે છે કે મેં 77 વર્ષની જૈફ વયે દુર્ઘટના, પીડા અને સંઘર્ષથી ભરેલા જીવનને ભૂલીને એક નવી શરૂઆત કરવા માટે સાહસ શરૂ કર્યું છે. તેઓ જણાવે છે કે, મારી પુત્રી જ્યારે અઢી વર્ષની હતી ત્યારે જ આકસ્મિક રીતે એક બિલ્ડિંગ પરથી પડી જતાં તેનું નિધન થયું હતું. ત્યારબાદ વર્ષો પછી, મારા બે પુત્રો પણ એક મગજની ગાંઠને કારણે અને બીજો હૃદયરોગને કારણે મૃત્યુ પામ્યા હતા. હવે મારો પૌત્ર હર્ષ જ મારા સુખ દુઃખનો ભાગીદાર હતો.
હર્ષે 2012 માં એમબીએ પૂર્ણ કર્યું અને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઓમાન દેશના મંત્રાલય સાથે કામ કર્યું. ત્યારબાદ 2014માં, તેણે કોન્સ્યુલેટ્સ સાથે ભાગીદારી કરીને કોર્પોરેટ ગિફ્ટ અને મર્ચેન્ડાઇઝ શરૂ કરવા માટે નોકરી છોડી દીધી હતી.
જોકે, 2019માં એક દુર્ઘટના ઘટી જ્યારે તેનો એક અકસ્માત થયો અને તેને પોતાનો ઉપરનો હોઠ ગુમાવ્યો હતો. અકસ્માતે હર્ષને વિકૃત કરી દીધો અને તેને ઓપરેશન કરાવવું પડ્યું. ત્યારબાદ તેને ભાગ્યે જ કોઈ ઓળખી શકે તેવી પરિસ્થતિનો સામનો કરવો પડ્યો હતો જેથી તે ખુબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો. હર્ષે ઘણા મહિનાઓ સુધી ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. તે 2016થી અમારા પરિવાર અને તેની જાતને આર્થિક રીતે ટકાવી રહ્યો હતો. પરંતુ, બધું જ અચાનક અટકી ગયું.
મેં તેને કહ્યું કે, તેણે ફક્ત તેનો ઉપરનો હોઠ અને વ્યવસાય ગુમાવ્યો છે. પરંતુ મેં ત્રણ બાળકો ગુમાવ્યા છે અને તેમ છતાં હું હજી પણ મજબૂત છું. મેં તેને ખાતરી આપી કે, હું મારો તમામ ટેકો તને ફ્રી ઊભો કરવા માટે આપીશ અને તેથી જ અમે સાથે મળીને ‘ગુજ્જુ બેનના નાસ્તા’ની શરૂઆત કરી.
તેમણે વધુમાં જણાવ્યું કે, હર્ષના મિત્રો અને મારા નજીકના પરિચિતોને હંમેશા મારી બનાવેલ વાનગીઓ ભાવતી હતી. પરંતુ મને ક્યારેય ખ્યાલ નહોતો કે, ઘણા લોકો તેના માટે દીવાના થઈ જશે. અમે 500 કિલો અથાણાં વેચ્યા અને વાનગીઓની યાદીમાં થેપલા, ઢોકળા, પુરણપોળી, હલવો, સાબુદાણાની ખીચડી, ફરાળી પેટીસ અને આવી અન્ય વસ્તુઓ ઉમેરી.
મેં વિવિધ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી. અને હર્ષની માતા અને અન્ય મિત્રોએ ઓર્ડર પેકેજિંગ અને મેનેજ કરવામાં મદદ કરી. હું દિવસમાં 14 કલાક કામ કરું છું. ક્યારેક તો સતત છ કલાક સુધી ખડેપગ કામ કરું છું. અમે દરરોજ ઘણાં ઓર્ડર પૂરા કરીએ છીએ. તેમાંથી દરેક મારાં દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. મારા દ્વારા જ આ વાનગીઓની ગુણવત્તાની ચકાસણી કરીને આગળ મોકલવામાં આવે છે.
જેમ જેમ બિઝનેસ વધતો ગયો તેમ-તેમ હર્ષે 10 લાખનું રોકાણ કરવા માટે અન્ય બે મિત્રો સાથે ભાગીદારી કરી અને ઓક્ટોબરમાં ઘરની દુકાન શરુ કરી. હવે જ્યારે બિઝનેસ સ્થિર થઈ રહ્યો છે ત્યારે અમને વધુ વર્કફોર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. અમે નાના પાયે શરૂઆત કરી છે અને તેને હજી વધારવાની યોજના બનાવી રહ્યા છીએ. અહીંયા એક નાની રસોડાની જગ્યા અને મર્યાદિત લોકો જ છે જે એક જ સમયે ત્યાં કામ કરી શકે છે.
અમે જે કમાણી કરીએ છીએ તેમાંથી મોટા ભાગના પૈસા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પરના ભાડા, પગાર અને કમિશનમાં જાય છે. બાકીના પૈસા કાચો માલ ખરીદવા અને પરિવારને ખવડાવવામાં ખર્ચવામાં આવે છે. હાલમાં એવો કોઈ ફાયદો નથી. પરંતુ, વ્યવસાય કેટલી કમાણી કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, હું ગ્રાહકો માટે તાજું અને ગુણવત્તાયુક્ત ખોરાક રાંધવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. રસોઈ બનાવવી એ મારો શોખ છે અને હું રસોડામાં 12 કલાકથી વધુ સમય પસાર કર્યા પછી પણ થાકતી નથી. મને સ્વાદિષ્ટ વાનગીઓ અન્ય કરતા અલગ બનાવવાનું શીખવું પણ ગમે છે અને તેના માટેનો ઉત્સાહ ક્યારેય સમાપ્ત થતો નથી. ક્યારેક હર્ષને અડધી રાતે ભૂખ લાગી જાય છે, તો આજે પણ આખો દિવસ કામ કર્યા પછી હું તેના માટે કંઈક બનાવી આપું છું.
મેં મારા બાળકો ગુમાવ્યા જ્યારે તેઓ ખૂબ નાના હતા. હું તેમને દરરોજ યાદ કરું છું. પરંતુ, હવે આગળ વધવું જોઈએ અને લોકોએ તે જ કરવાનું શીખવું જોઈએ. તેથી હું હર્ષને મદદ કરવા માંગતી હતી અને જ્યારે તેને સૌથી વધુ જરૂર હોય ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માંગતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.