ખુલ્લો પત્ર: રૂપાણીજી તપાસના નાટક બંધ કરો: મેયરનુ રાજીનામુ લઇ અને કમિશનરને દૂર કરો.

સામાન્ય રીતે જ્યારે રાજ્યમાં કોઈ દુર્ઘટના બનતી હોય છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા પોપટની જેમ એક જ વાત ઉચ્ચારાતી હોય છે કે તપાસના આદેશ આપી દીધા છે પણ વાસ્તવિકતા એ છે કે તપાસ થતી જ નથી અને તપાસના નામે અને કોકડું વળી જતું હોય છે. આવી એક નહીં અને અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે , ત્યારે ગઈકાલે સુરતમાં બનેલી દુર્ઘટના પાછળ સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરત મેયર સીધા જવાબદાર છે તો પછી તપાસ શાના માટે ?

સાહેબ તપાસ પછી કરાવજો પહેલા સુરતના તમારા માનીતા મેયરનું રાજીનામું લઇ લો અને લાંચિયા અધિકારીઓને સસ્પેન્ડ કરો અને કમિશનરને તરત જ દૂર કરો, કારણ કે મોટા ભાગે મહાનગરપાલિકાઓમાં પટાવાળાથી લઈને કમિશનર સુધીના કેટલાક લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. સુરતની દુર્ઘટનામાં પણ એવા જ ઇનપુટ બહાર આવ્યા છે. કારણકે સુરતમાં ગેરકાયદેસર બિલ્ડીંગનો રાફડો છે છતાં પણ લાંચિયા અધિકારીઓ અને કમિશનરે એક પણ ગેરકાયદે બિલ્ડિંગ સામે હજુ સુધી પગલા ભર્યા નથી.

ગઇ કાલે બનેલી દુર્ઘટના મા 21 નિર્દોષ બાળકોની હત્યા થઈ છે, જેના માટે સીધા જવાબદાર સુરતના કમિશનર અને મેયર છે તો તપાસ પછી કરાવજો. સાહેબ તમે માનો છો કે મૃતકોના પરિવારને ચાર લાખ આપવાથી તેમના સંતાનો પાછા આવી જશે? શું મૃતક ભારતના ભવિષ્ય નું મૂલ્ય માત્ર ચાર લાખ રૂપિયા જ છે? રૂપાણી તમારા શાસનમાં ગુજરાત બદનામ થવામાં પણ કઈ બાકી રહ્યું નથી.તમારાં નબળા વહીવટને કારણે ગુજરાતની જનતાએ ઘણુ સહન કરવાનો વારો આવ્યો છે.કારણ કે અધિકારીઓ તમને મૂર્ખ બનાવે છે અને તમે ગુજરાતની જનતા ને મૂર્ખ બનાવી રહ્યાં છો.

આપની ઈમાનદારી કે પ્રામાણિકતા સામે કોઈ સવાલ નથી પણ આપની કાર્યક્ષમતા સામે અનેક સવાલ છે.આપના સીએમઓની ગણના મા બેસાડેલ અધિકારીઓ થી લઇ આપના અંગત સલાહકાર યા તો આપ સુધી સાચી માહીતી નથી પહોંચાડતા યા તો પછી આપ ગંભીર બાબતો ને હળવેથી લેવા માટે ટેવાયેલા છો.આપના શાસન ને સુશાસન કહેવું જરા પણ ઉચિત નથી. આપના શાસનમાં અધિકારીઓ છાકટા બની ગયા છે, કારણ કે એ લોકો તમારી બિન કાર્યદક્ષતાનો લાભ ઉઠાવી રહ્યાં છે.

સુરતના યુવા નાગરિકો દ્વારા તંત્રની બેદરકારી નું અવાર નવાર ધ્યાન દોરવામાં આવતું હોય છે. પરંતુ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી હોય એવા સ્વપ્નોમાં રાચતા સુરતના મેયર અને કમિશનર લોકોની ફરિયાદો ને જરા પણ ધ્યાનમાં લેતા નથી અને મનફાવે તેવા ઉડાઉ જવાબ આપતા હોય છે. પરંતુ જ્યારે કોઇ દુર્ઘટના બને ત્યારે પોતે જવાબદારીમાંથી છટકી જાય ને અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે. અધિકારી તો જવાબદાર છે જ પરંતુ સાથે સાથે કમિશનર અને મેયર પણ એટલા જ જવાબદાર છે.

ગઇ કાલની ઘટના એ સાડા છ કરોડ ગુજરાતીઓ સહિત સમગ્ર દેશને હચ મચાવી મૂક્યો છે.રૂપાણીજી માત્ર સંવેદનાઓ થી સમાધાન નથી થવાનું એના માટે જરુરી છે કડક, કઠણ અને નિષ્પક્ષ નિર્ણયોની.ગુજરાતની સાડા છ કરોડ જનતાની નજરમાં ખરાં ઉતરવા માટે કડક નિર્ણય લઇ આ ઘટના માટે સીધા જવાબદાર મેયર નું રાજીનામું લઇ કમિશ્નર ને તાત્કાલિક અસર થી દૂર કરી ‘રાવ સાહેબ’ જેવા કાર્યક્ષમ અને ગ્રાઉન્ડ લેવલના અધિકારીને જવાબદા ી સોપો એવી સુરતની જનતાને આપની પાસે અપેક્ષા છે.

-વંદન ભાદાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *