વાપીમાં ફરી રખડતાં પશુનો આતંક: યુવકને ભેટી હવામાં ફંગોળ્યો, જુઓ વાયરલ વિડીયો

Vapi News: વાપી શહેરના માર્ગો પર રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત્ છે,ત્યારે વાપીના છીરી ગામના માર્ગ પર ચાલતા પસાર થઇ રહેલા યુવાનને ઢોરે સિંગડાથી ઉડાવતાં ઇજા થઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.પાલિકા અને પંચાયત કચેરી (Vapi News) રખડતા ઢોરોને પાંજરે પુરવામાં નિષ્ફળ રહેતા નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યાં છે.જો કે પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી બંધ હોવાની માહિતી મળી રહી છે.

પાલિકાની નબળી કામગીરી
સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે વાપીમાં પણ રખડતાં ઢોરનો ત્રાસ ઘણા બધા પ્રયાસો પછી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વાપીના છીરી વિસ્તારમાંથી વરસાદી માહોલમાં બે યુવકો શાંતિથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન બે પશુઓ પણ શાંતિથી ઉભા હતાં. પરંતુ અચાનક એક પશુ દોડીને ચાલી રહેલા યુવકો પૈકીને એકને કમરના ભાગેથી હવામાં ફંગોળ્યો હતો. જેથી યુવક રસ્તા પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી ફરીથી એકવાર રખડતા ઢોરનો મુદ્દો ગરમાયો છે.

હચમચાવી નાખે તેવા સીસીટીવી થયા વાયરલ
વાપી તાલુકાના છીરી ગામમાં બે યુવાનો રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન રસ્તા પર પશુઓ ઊભા હતા. અચાનક રખડતા ઢોરે યુવાન પર હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ઇજા થઇ હતી. શાંતિથી ચાલતા જતા એક યુવકને ઢોરે સિંગડે ભરાવ્યો હોવાના સીસીટીવી પણ વાઇરલ થયાં છે.

વાપી તથા આજુબાજુના વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. પાલિકા કે પંચાયત કચેરી દ્વારા રખઢતા ઢોરોને પકડવા સમયાંતરે અભિયાન ચલાવામાં આવે છે, પરંતુ જૈસે થે જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જો કે પાલિકા વિસ્તારમાં હાલ રખડતા ઢોરોને પકડવાની કામગીરી બંધ હોવાની માહિતી મળી રહી છે. આમ વાપીના માર્ગો પર પસાર થઇ રહેલા રાહદારીઓ પણ રખડતા ઢોરોના હુમલાનો ભોગ બની રહ્યાં છે.