સુરત(Surat): જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ જમીનના ધંધાની વાત કરવામાં આવે તો તેમાં ચાલી રહેલી મંદીને કારણે જમીનના અનેક વેપારીઓમાં ઉગ્ર માથાકૂટ ચાલી રહી છે. ત્યારે ભૂતકાળમાં આવી જ માથાકૂટનો મામલો છેક પોલીસ તંત્ર સુધી પહોંચી ગયો હતો અને હવે ફરી આવા એક મામલો સામે આવતા વરાછા (Varachha) વાસીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય અગાઉ જ આ ઉદ્યોગપતિ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવા બાબતે કોર્ટે હુકમ કર્યો હતો.
વાત કરવામાં આવે તો સુરત અને મુંબઈના હીરાના એક ખ્યાતનામ સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિએ સૌરાષ્ટ્રના જ એક જમીનના વેપારીની સારી જગ્યા લઇ લીધી હતી અને તેને ખરાબ જગ્યા પધરાવી દીધી હતી. જેને કારણે આ વેપારીએ વિડીયો કોલ કરીને ઉદ્યોગપતિને મસમોટી ગાળો ભાંડી હતી. જેને લઈને ઉદ્યોગપતિએ આ વેપારીને પોલીસને જાણ કરતા ઉંચકાવી લીધો હતો. આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી અને આ મામલે વધુ વિગતો સામે આવી નથી.
સુરતના સૌરાષ્ટ્રવાસીઓમાં જે ચર્ચાએ જોર પકડ્યું તે પ્રમાણે જો કહેવામાં આવે તો મૂળ ભાવનગર જિલ્લાના વતની અને સુરતમાં જમીન અને ટેક્સટાઈલનો વેપાર કરી રહેલ અને પોચો તરીકે જાણીતા વેપારીએ દાનવીર તરીકે જાણીતા હીરાના ઉદ્યોગપતિ પાસેથી 21 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા.
બીજી બાજુ બીજા ધંધાના 21 કરોડ રૂપિયા ‘પોચા’એ મોટા સમાજસેવક તરીકે ઓળખીતા વરાછાના આગેવાનને આપવાના હતા. ‘પોચા’ની આ સ્થિતિનો આ સમાજસેવક દ્વારા સારો લાભ ઉઠાવવામાં આવ્યો હતો અને ઉદ્યોગપતિ અને પોતાના 21 કરોડ રૂપિયાની ઉઘરાણી સામે ‘પોચા’ની પાસોદરા નજીક આવેલી 85 કરોડ રૂપિયાની જમીન લઈ લીધી હતી.
‘પોચા’એ તે સમયે એવું કહ્યું હતું કે, આ જગ્યામાંથી જે પણ કાઈ રકમ બચશે તે મારે બીજા લેણદારોને આપવાની છે. પરંતુ હીરાના ઉદ્યોગપતિ દ્વારા આખી સારી જગ્યા લઈને ‘પોચા’ને સચીન-મગદલ્લા રોડની ખરાબ જમીન પધરાવી દીધી હતી. પોતાની સારી જમીનની બદલામાં ખરાબ જમીન આવતા અને તેને વેચવાની મુશ્કેલી પડતા ‘પોચા’એ પોતાને છેતરનાર આ ઉદ્યોગપતિને વિડીયો કોલ કરીને મસમોટી ગાળો ભાંડી દીધી હતી.
લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જો વાત કરવામાં આવે તો ‘પોચા’એ ગાળો આપતાં ગુસ્સે ભરાયેલા આ ઉદ્યોગપતિએ તેને સુરતના એક મદદનીશ પોલીસ કમિશનરની મદદ લઈને પોલીસ પાસે બે દિવસ અગાઉ જ ઉંચકાવી લીધો હતો. આ પોચા એ જે ફાર્મ હાઉસમાંથી ફોન કર્યો હતો તે સ્થળેથી જ તેને ઉચકાવી લીધો હતો.
લોકોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે પોલીસ દ્વારા આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પરંતુ બે દિવસ માટે ‘પોચા’ને ગોંધી રાખ્યો હતો. ‘પોચા’ બે દિવસથી ગાયબ થઈ જવાને કારણે આખો મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ દ્વારા ‘પોચા’ને છોડવામાં આવ્યો કે કેમ? તે અંગેની વિગતો હજુ બહાર આવી નથી. ત્યારે હવે જે રીતે આ ઘટના બની છે તે જોતા આગામી સમયમાં નવો વળાંક આવે તો નવાઈ નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.