સુરતની જેલના કેદીઓ બનશે સ્માર્ટ: ગુજરાતમાં પહેલીવાર જેલની અંદર સ્માર્ટસ્કૂલ, વીડિયો-ઓડિયોથી ભણીને મેળવશે ડિગ્રી

Lajpore Central Jail: સુરતની લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે, રૂપિયા 18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા યુનિટની(Lajpore Central Jail) પણ મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, બંદીવાનો ગુનાખોરીમાંથી બહાર નીકળે તે અમારો હેતુ છે. ઉપરાંત, તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભરૂચની ઘટનાને લઇ કરેલા ટ્વિટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.

18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું
સુરતની લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલકાતા લીધી હતી. દરમિયાન, તેમણે રૂ. 18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું હતું. જેલમાં બંદીવાનો માટે અલગથી શરૂ કરાયેલ હીરા યુનિટ વિભાગની પણ હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યુ હતું.

બંદીવાનો દ્વારા તૈયાર કરાતા હીરા અંગે બંદીવાનોમાં સ્કિલ ડેવલોપમેન્ટ વધે તેવા પ્રયાસ કરવા ધારાસભ્યને સૂચન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બંદીવાનો માટે પગાર વધારો કરવામાં આવ્યો છે. અમારો હેતું બંદીવાનો ગુનાખોરીમાંથી બહાર નીકળે તેવો છે. તમામ લોકો સમાજમાં એક સારા નાગરિક બની રોજગારી પ્રાપ્ત કરે તેવો આશ્રય છે. જેલમાં કેદીઓને રોજગારી મળે તે માટે હીરા ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો છે.

‘ગુજરાત અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ’
બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભરૂચની ઘટનાને લઇ કરેલા ટ્વિટ અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત અને ગુજરાતનાં લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે સાંજ સુધીમાં તમામ પ્રકારની માહિતી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. રોજગારી મુદ્દે રાજનીતિ કરવી એ યોગ્ય નથી. ગુજરાત અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ હંમેશાથી કોંગ્રેસ (Congress) કરતી આવી છે.

બંદીવાનોને ભણાવનાર શિક્ષકો પણ બંદીવાન
સેન્ટ્રલ લાજપોર જેલના અધિક્ષક જે. એન. દેસાઈએ જણાવ્યું હતું કે, અગાઉ બંદીવાનો બેરેકની અંદર ભણતા હતા ત્યારે હવે આ બેરેકને સ્માર્ટ સ્કૂલમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલ બંદીવાનોને એવું વાતાવરણ આપે છે, જેના થકી તેઓ ભણવા માટે રુચિ ધરાવતા થઈ જશે.

130થી પણ વધુ બંદીવાનો ભણી રહ્યા છે. ધોરણ-10 અને 12 સિવાય કોઈ ડિગ્રી કોર્સ કરવો હોય તો અમે બંદીવાનો માટે ઓપન યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટી સાથે પણ વ્યવસ્થા કરી રહ્યા છે. અહીં સ્માર્ટ બોર્ડ, ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ ક્લાસ છે. બંદીવાનોને ભણાવનાર શિક્ષકો પણ બંદીવાન છે. તેઓ આ શાળાનું સંચાલન કરશે.