સુરત સ્મીમેરના ડોક્ટરોએ સંગીન આરોપ મુકીને પોતાને થઇ રહેલા માનસિક ત્રાસ ને કારણે તેઓ આપઘાત કરી રહ્યા છે તેવું આ પત્રમાં લખાયેલ છે. આ સાથે આક્ષેપ કરાયો છે કે ઉપરી તબીબો ડોક્ટર વિપુલ શ્રીવાસ્તવ, ડૉ. દિવ્યાંગ, ડોક્ટર રાજેશ પરમાર, ડોક્ટર બંસલ, સાજીદ ભાઈ આ બધા જ અધિકારીઓએ લાખો કરોડોના ગોટાળા કર્યા છે અને તે રકમ થી તેમના ખીસ્સા ભર્યા છે.
સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં રેસિડેન્ટ ડોક્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં એક અરજીનો ફોટો વાઈરલ થયો છે જેમાં ડોક્ટરોએ ચીમકી આપી છે. કે જો તેઓની સમસ્યાઓનો ઉકેલ નહી લાવવામાં આવે તો તેમને આપઘાત કરવો પડશે.
આ વાઈરલ લેટરમાં લખવામાં આવ્યું છે કે, અમે રેસિડન્ટ ડોક્ટર સતત 14 દિવસથી શીડ્યુલ થયેલી ડ્યુટી પ્રમાણે અમારી ફરજ બજાવી રહ્યા છીએ. તેમ છતાં તંત્ર અમારી માટે કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપી રહ્યું. covid બાદ નોનકોવિડમાં ફરજ બજાવવા માટે અમને નાપાસ કરવાની ધમકી આપી મજબૂરીથી અમારું શોષણ કરવામાં આવે છે. અમે પણ સંક્રમિત થઈ રહ્યા છીએ.આના માટે જવાબદાર કોણ રહેશે?
કોવિડ ડ્યુટીમાં ઉચ્ચ તબીબો(ડીપાર્ટમેન્ટ વાળા, પ્રોફેસર, એસોશીયેત પ્રોફેસર,આસી પ્રોફેસર) પોતાની જવાબદારી આપેલા વોર્ડમાં દર્દીઓ સાથે મુલાકાત નથી કરતા. તેઓ દર્દીને તપાસવા કે રાઉન્ડ લેવા માટે એક પણ વાર PPE કીટ પહેરીને દાખલ થતા નથી. એમના સંક્રમિત થવાના ભયના કારણે રેસિડેન્ટ ડૉક્ટર પર બધી જવાબદારીઓ નાખી રોફ જમાવે છે.
જેમ કે એક અઠવાડિયા પહેલા ઓક્સિજન લાઈનમાં પ્રેશર ઓછું થવાને કારણે બે દર્દી ઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. એ સમયે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને તેમના પરિવારજનોને તેમના મૃત્યુ માટેનું કારણ આપવાની જવાબદારી રેસિડેન્ટ ડૉક્ટર પર નાખી હતી. આ સમયે રેસિડન્ટ ડોક્ટરે ઉચ્ચ તબીબોને માહિતી આપવા છતાં પણ તેઓ એ સમયે ફરજ પર હાજર હતા નહીં. અને આ માહિતી અખબાર અને સમાચારમાં ફેલાતા તેમણે આ માટે રેસિડેન્ટ ડોક્ટરોને જવાબદાર ગણાવ્યા હતા. જે બિલકુલ ખોટી વાત છે. આ રીતે ડોક્ટર બંસલ અને ડોક્ટર જયેશ પટેલે પોતાનો બચાવ કર્યો હતો.
અમારા રેસિડેન્ટ ડોક્ટરનું વાઢ કાપ કે કોઈ શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપવામાં આવતું નથી. ઉપરી તબીબો ડોક્ટર વિપુલ શ્રીવાસ્તવ, ડૉ. દિવ્યાંગ, ડોક્ટર રાજેશ પરમાર, ડોક્ટર બંસલ, સાજીદ ભાઈ આ બધા જ અધિકારીઓ કોરોનાની મહામારી વચ્ચે પોતાનો રોટલો શેકવા માટે સદા તત્પર રહે છે. લાખો કરોડોના અમારી નજર સામે ગોટાળા કરવામાં આવ્યા છે અને તે રકમ થી તેમના ખીસ્સા ભર્યા છે.
હું રેસિડેન્ટ ડોક્ટર મારી ફરજ થી ભાગતો નથી અને ડરતો પણ નથી. મને અહીંયા પરીક્ષામાં નપાસ કરીને મારું ભવિષ્ય બરબાદ કરી તબીબો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. અને હું સતત એ ડરથી કોવિડ ડ્યુટીમાં મારી ફરજ બજાવી રહ્યો છું.છેલ્લા પાંચ મહિનાથી પરિવારથી દૂર રહીને આ કોરોના માં સેવાઓ આપવા છતાં હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું. હું આ ભ્રષ્ટાચારીતંત્ર અને રાજકારણથી થાકી ગયો છું. આ કારણે હું મારી જાતને ખતમ કરવા પગલું ભરી રહ્યો છું.