એક ટ્રક રાશનનો વહીવટ કરવાના અધિકારીને મળે છે લાખ થી દોઢ લાખ- કૌભાંડ પકડાવા છતાં સુરત કલેકટરનું ભેદી મૌન

2 ઓગષ્ટ, 2020ના રોજ કામરેજ વિસ્તારના લાડવી ગામે રાજેન્દ્ર શાહની માલિકીના ચાર માળના મોટા બંગલાના વિશાળ પાર્કિંગમાં આઇસર ટ્રક નંબર GJ.5.BU-9111 માંથી સરકારી અનાજની આશરે…

2 ઓગષ્ટ, 2020ના રોજ કામરેજ વિસ્તારના લાડવી ગામે રાજેન્દ્ર શાહની માલિકીના ચાર માળના મોટા બંગલાના વિશાળ પાર્કિંગમાં આઇસર ટ્રક નંબર GJ.5.BU-9111 માંથી સરકારી અનાજની આશરે 250 ગુણીઓ ઉતરી રહી હતી; તે માહિતી વિપુલ દેસાઈ કામરેજ પોલીસને આપે છે. પોલીસે વિપુલને સાથે રાખી રેઈડ કરી. તે સમયે 26 જેટલા મજૂરો સરકારી અનાજના કપડાં બદલી રહ્યા હતા!

સરકાર દ્વારા 50 કિલોના પેકિંગમાં ઘઉંનો જથ્થો સસ્તા અનાજની દુકાને પહોચાડવામાં આવે છે; તેનું પેકિંગ બદલી રહ્યા હતા. ઘઉંનો જથ્થો ખાલી કરી પ્લાસ્ટિકની ગુણીમાં ભરી રહ્યા હતા અને ગુણીને મશીન દ્વારા સિલાઈ કરી જથ્થો ગોઠવી રહ્યા હતા. અમુક પ્લાસ્ટિકની ગુણીઓ ત્યાં ઉભેલા ટેમ્પોમાં મૂકવામાં આવતી હતી.

વિપુલે તરતજ સુરત કલેક્ટર ધવલ પટેલ અને કામરેજ મામલતદારને ફોન કરી જાણ કરી. થોડીવારમાં તે સ્થળે નાયબ મામલતદાર પહોંચે છે અને વિપુલને પૂછે છે : ‘આમાં શું કરવાનું છે?’ વિપુલ કહે છે : “સાહેબ, સરકારી અનાજની ચોરી કપડાં બદલીને થઈ રહી છે; હરિયાણા સરકારના માર્કાવાળી ઘઉંની ગુણીમાંથી અનાજ કાઢી પ્લાસ્ટિકની ગુણીમાં ટ્રાન્સફર કરી વેચી દે છે. ગરીબોને બે રુપિયે મળતું અનાજ આ ચોર 10 રુપિયે સરકારી તંત્ર પાસેથી ખરીદે છે અને 20 રુપિયે આટામિલને વેચી દે છે; આટા મિલવાળા 30 રુપિયે કિલો લોટ વેચે છે ! એક ટ્રક ઘઉંના કપડાં બદલે તેના એક-સવા લાખ સરકારી અધિકારીને મળે અને ટ્રક દીઠ એક-સવા લાખ ચોરને મળે છે !

અહી વાંચો:સુરતમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું- હજારો બોરી અનાજ જાગૃત નાગરિકે પકડ્યું

સરકારી અનાજની ગુણોમાંથી ખાનગી ગુણોમાં અનાજ ભરવાનું કારણ એ છે કે સરકારી ગુણોવાળા ઘઉં આટામિલ ખરીદે નહીં. સરકારી અનાજની ચોરી કરવાનું કાવતરું તમારી નજર સામે પુરાવા સાથે પકડાઈ ગયું છે; છતાં તમને કંઈ ગુનાહિત લાગતું નથી? વેચાણ માટે GSTના ખોટા બિલો બનાવે તે ગુનો કહેવાય કે નહીં? અહીં 400 જેટલાં સરકારી માર્કાવાળા અનાજના કોથળા પડ્યા છે; તે મહત્વનો પુરાવો કહેવાય કે નહીં?

ચોરીનો માલ આઇસર ટ્રક નંબર GJ.5.BU-9111માં લાવવામાં આવે છે; તે ટ્રકની માલિકી કોની છે? કોના કહેવાથી સરકારી ગોડાઉનમાંથી ધઉંની ગુણીઓ અહીં લાવવામાં આવી? સરકારી ગોડાઉન ઉપર CCTV કેમેરાના ફૂટેજ મેળવીને વધુ તપાસ કરવી જોઈએ કે નહીં? ચોરી કરનાર રાજેન્દ્ર શાહ જો ઈજારદાર હોય તો તેની સામે FIR દાખલ કરાવવી જોઈએ કે નહીં? તેને કાળી યાદીમાં મૂકવો જોઈએ કે નહીં? ગરીબોના પેટમાં જતા અનાજની ચોરી કરીને; ગરીબોને અનાજથી વંચિત રાખવાનો ગુનો ગંભીર કહેવાય કે નહીં?”

વિપુલની હાજરીમાં પંચનામું થયું પણ પંચનામાની કોપી વિપુલને આપવામાં ન આવી. 400 જેટલી સરકારી માર્કાવાળી ગુણો/સિલાઈ મશીન/ટ્રક વગેરે કબજે કરવામાં ન આવ્યું. પ્લાસ્ટિકની 500 જેટલી ગુણોમાં અનાજ ભર્યું હતું તે કબજે કરવામાં ન આવ્યું. ઘઉંનો જથ્થો જે આટા-મિલમાં મોકલવામાં આવતો; તેની તપાસ કરવામાં ન આવી. સરકારી રાહતદરના ઘઉંનો જથ્થો ક્યાંથી આવ્યો; આઇસર ટેમ્પોમાં કેટલી બખત જથ્થો મંગાવવામાં આવ્યો? તેની તપાસ કરી નહીં. સાત દિવસ થયા.

ચોંકાવનારી બાબત તો એ છે કે પાંચ પોલીસ અને નાયબ મામલતદારની હાજરીમાં; ચોર રાજેન્દ્ર શાહ, વિપુલને ધમકી આપે છે અને સમાધાન કરવા માટે પૈસાની લાલચ આપે છે ! નાયબ મામલતદાર/મામલતદાર/જિલ્લા પુરવઠા અધિકારી/કલેક્ટર તરફથી ચોર સામે FIR થઈ નથી. સરકાર પોતાને નિર્ણાયક/પારદર્શક/સંવેદનશીલ કહે છે; એટલે વિપુલે 6 ઓગષ્ટ 2020ના રોજ, મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે. સરકારનો આ દાવો સાચો હોય તો ગરીબોનું અનાજ ચોરીને ચાર માળનો વિશાળ બંગલો બનાવનાર જેલમાં હોય કે નહીં? ઢાંકપિછોડો કરનાર, પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નહી બજાવનાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય કે નહીં?- Retired IPA Ramesh Savani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *