સ્વામિનારાયણ સંપ્રદાયની અજોડ સ્ત્રી-સાધુ મર્યાદાની અસમજણથી ઠેકડી ઉડાડી મોરારીબાપુના સનાતન ધર્મ વિરુદ્ધ વચનો, પ્રવૃત્તિઓનો ઢાંકપિછોડો અક્ષમ્ય.
પ્રતિ આદરણીય શ્રી મોરારીબાપુજી તથા તેમના ભાડૂતી લેખકો, સાહિત્યકારો (કાજલ વૈદ્ય ઓઝા)
હું સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી બહેન છું. હું અને મારા જેવી અસંખ્ય મહિલાઓ વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ત્રી-પુરુષ મર્યાદા, સ્ત્રી-સાધુ મર્યાદા મુજબ જીવન જીવી નિર્વિઘ્નપણે આધ્યાત્મિક માર્ગે ગતિ કરી રહ્યા છીએ. પરંતુ તમારા જેવા સંપ્રદાયની પ્રણાલીકાઓથી અજાણ, અજ્ઞાની, કહેવાતા ‘ક્રાંતિકારીઓ’ના મુખેથી, અણસમજણથી, તેજોદ્વેષથી ભગવાન શ્રીનીલકંઠવર્ણીના દિવ્ય સ્વરૂપનું ખંડન થાય તેની ઉદારદિલે માફી માગવાના બદલે તમારા બચાવમાં સંપ્રદાયની સ્ત્રી-સાધુ મર્યાદાની ઠેકડી ઉડાડો અને બીજા દ્વારા ઉડાવડાઓ તે અક્ષમ્ય અપરાધ છે..
સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો ખરેખર સ્ત્રીઓને પોતાનું અપમાન લાગતું હોત તો આ સંપ્રદાય ફક્ત વાન્ઢાઓનો જ સંપ્રદાય હોત. પરંતુ તમે પોતે કે તમારા ભાડૂતી લેખકોને ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયની સભાઓમાં, પારાયણોમા, મહોત્સવમાં મોકલજો. તમને દરેક જગ્યાએ સ્પષ્ટ રીતે 60 ટકા સંખ્યા બહેનોની દેખાશે અને 40% પુરુષોની દેખાશે. અમે અભિમાનથી નથી કહેતા, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉડીને આંખે વળગી તે વિશેષતા કહીએ છીએ કે અમે બહેનો સંતોથી દૂર રહેવા છતાં, પુરુષો કરતાં ભજન ભક્તિ, પદયાત્રા, સત્સંગ શિક્ષણ પરીક્ષા, શ્રાવણ માસના એકટાણા, ધારણા પારણા, ઉપવાસ, મંત્ર જાપ ,મંત્ર લેખન, શાસ્ત્રવાચન, સમજણ વગેરેમાં પુરુષો કરતાં ઘણા આગળ છીએ.
મારો પોતાનો એકનો એક સંતાન મેં BAPSમાં સાધુ થવા અર્પણ કર્યો છે. મને ખબર હતી કે તે સાધુ થઈને પછી મારી સાથે વાત નથી કરવાનો, મને મળવાનો નથી, પરંતુ મે ગૌરવ સાથે ગોળધાણા ખવડાવી મસ્તક પર ચાંદલો કરી તેને તેના મોક્ષકાર્ય માટે વિદાય આપી. BAPSમા ૧૦૦૦ થી વધુ સતી મદાલસા જેવી, ધ્રુવની માતા સુનીતિ જેવી, ગોપીચંદની માતા મેનાવતી જેવી માતાઓ છે જેમણે પોતાના એકના એક, ભણેલા-ગણેલા, ક્યારેક તો યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના સિટીઝન તેવા પુત્રોને સાધુ થવા અર્પણ કરી, સનાતન ધર્મની ત્યાગની પરંપરાને જીવંત રાખી છે. આપના જેવા કહેવાતા ‘ક્રાંતિકારીઓ’ના મુખે આ ત્યાગની પરંપરાને પોષણ આપવાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ?, પરંતુ રાજી થયા હોત તો પણ વાંધો નહોતો. પરંતુ સનાતન સાધુની પરંપરાનુ ખંડન કરીને તમે સનાતન ધર્મની કઈ મોટી સેવા કરી રહ્યા છો તે સમજાતું નથી. જો ખરેખર ‘ક્રાંતિકારી’ બનવું હોય તો ઇસ્લામ ધર્મમાં માતાઓ પોતાના પુત્રોને આતંકવાદી થવાની પ્રેરણા આપે છે, જેહાદ માટે મરવા મોકલે છે, તે તો મરીને હંમેશ માટે માતૃશક્તિને જોઈ નથી શકવાનો, તેની સામે એક શબ્દ ઉચ્ચારવાની હિંમત કરશો ?
જો ખરેખર સ્ત્રી દાક્ષિણ્યની ભાવના મનમાં ઉછાળા મારતી હોય તો આજે ભારતમાં કરોડો સ્ત્રીઓ એના ધણીનો માર ખાય છે, દહેજ ન લાવે તો સળગાવી દેવાય છે, નોકરી-ધંધામાં પરપુરુષની કુદ્રષ્ટિનો ભોગ બને છે, ટ્રિપલ તલાક દ્વારા તેમને તરછોડી દેવાય છે, ત્યાં કેમ નથી બોલતા ?
જો સ્ત્રીઓની સાથે બોલવું, વાતો કરવી એ જ આપને માત્રુશક્તિનું, સ્ત્રી શક્તિનું સન્માન લાગતુ હોય તો એથી પણ વધુ સન્માન આજની બિભત્સ ફિલ્મોમા સ્ત્રીઓ સાથે વિચિત્ર ચેષ્ટાઓ કરીને, ટીવીમાં જાહેરાતના સાધન તરીકે એક sales item તરીકે દ્રોપદીની જેમ સ્ત્રીનું વસ્ત્રાહરણ કરીને સ્ત્રીઓનુ સૌથી વધુ સન્માન થઈ રહ્યું છે. તો કાલથી એવું સન્માન પ્રાપ્ત કરવા સામેથી જવાનું પણ આપ સનાતન ધર્મની સ્ત્રીઓને કહેશો ને ? આપ તો ક્રાંતિકારી છો. આપના ગામના ખૂણેથી જે વિચાર આવે તે બિન્દાસ રજુ કરી શકો છો. તો આવા વિચાર રજુ કરશો ?
હું માનું છું કે મારો પુત્ર મારા ગર્ભમાં નવ મહિના રહ્યો છે, મારા દૂધથી ઉછર્યો છે, પરંતુ ઉંમર સાથે, અવસ્થા સાથે નિયમો બદલાય છે. મારા પુત્રને નાનો હતો ત્યારે સ્તનપાન કરાવતી ,હવે તે મોટો થયો પછી ન કરાવી શકું, તેમાં શું મારું અપમાન છે ? કોઈ પણ પિતા પોતાની નાની પુત્રીને ખોળામાં રમાડી શકે, પરંતુ તે જ પુત્રી મોટી થાય ત્યારે તેના પિતા તેવું કરી શકે ? તેમના શું પિતાનું અપમાન થયું ? શુકદેવજી જન્મ થતા જ માતા-પિતાને છોડી મોક્ષપંથે ચાલી નીકળ્યા તેની શાસ્ત્રોમાં ગૌરવગાથાઓ લખી છે. અરે, સ્વામિનારાયણ સંપ્રદાયની સ્ત્રી-સાધુ મર્યાદાનો આદર તો વિદેશમાં દરેક જગ્યાએ વિધર્મીઓ પણ કરે છે પરંતુ આપ ‘ક્રાંતિકારી’ છો ને ! આપણા સનાતન ધર્મના ભવ્ય વારસાને સમજ્યા વગર ટીકા કરવાનો અધિકાર આપને હસ્તગત છે. ‘નબળો ધણી બૈરી પર શૂરો’ તે ન્યાયે હિન્દુધર્મની સહિષ્ણુતાનો, મૌનનો ગેરલાભ ન ઉઠાવશો.અન્ય ધર્મોની પરંપરાઓની સમજ્યા વગર ટીકા કરવાને બદલે આપે આપની પોતાની પુત્રીને સનાતન ધર્મના વારસાનું જ્ઞાન આપ્યું હોત તો જે થઈ ગયું તે ન થાત.
એક આધુનિક લેખિકાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સ્ત્રીઓ સામે જોતા નથી તેમાં સ્ત્રી જાતિનું અપમાન લાગે છે, તો તેમને અને તેમના જેવી અન્ય ક્રાંતિકારીણીઓને આસારામજી બાપુ અને રામ રહીમ જેવા આદરણીય સંતો પાસે મોકલવી જોઇએ, જ્યાં તેઓનું સાચું સન્માન થઈ શકે.
પૂજ્ય મોરારીબાપુ સનાતન ધર્મની પ્રણાલિકાઓનુ ખંડન કરે તેનો બચાવ કરવા સ્ત્રી પુરુષ મર્યાદા જેવો તૃતીય મુદ્દો કાઢીને તમે સનાતન ધર્મની, ભારતદેશની કઈ મહાન સેવા કરી રહ્યા છો ? મોરારીબાપુ એકાદશી ઉપવાસનુ ખંડન કરે, જ્યોતિષ-કર્મકાંડનું ખંડન કરે, મંદિરોને શૌચાલય સાથે સરખાવવાની હીન ચેષ્ટા કરે, કરોડો રૂપિયાનો ધુમાડો કરી સમુદ્રમાં, આકાશમાં, માનસરોવર પર ફક્ત શોખ ખાતર, પબ્લિસિટી ખાતર કથા કરે, બેફામ વાણીવિલાસ કરે, રામકથામાં ડાકલા ધુણાવી, નાટક કરી, નૃત્ય કરાવી કથાને મનોરંજનનું સાધન બનાવે તેના તરફ બાપુને ટકોર કરવાને બદલે તેમણે સનાતન પરંપરાનું કરેલ ખંડનનો તમે લોકોને અન્ય મુદ્દા પર ચડાવી તેમનો બચાવ કરી રહ્યા છો તેની પાછળ ક્યું પરિબળ છે ? આપના લેખો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરીને સનાતન ધર્મની ઘોર અસેવા કરી રહ્યા છો તે કદાચ અત્યારે બુદ્ધિના મિથ્યા અહંકારને લીધે આપને નહીં સમજાય.
ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી ઉત્કર્ષનુ જેવું કાર્ય કર્યું છે, તેવું ભાગ્યે જ કોઈએ કર્યું છે.
ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં ક્ષત્રિયોમાં બાળકીની દૂધ પીતી કરીને મારી નાખવાનો કુરિવાજ અટકાવ્યો. સરકારી મદદ વિના પ્રેમથી સતી પ્રથા બંધ કરાવી. તે સમયે સંતો-મહંતોની વાસના સંતોષવા તેઓની આગતા-સ્વાગતામાં, ભોળા ભક્તો પોતાની સ્ત્રીઓને પણ અર્પણ કરતા, મંદિરોમાં અર્પણ કરેલ દેવદાસીઓનો ધાર્મિક ખોટો ઉપભોગ થતો. તે અટકાવવા શિક્ષાપત્રીમાં ભક્તોને ‘પોતાની સ્ત્રીનું દાન કોઈને પણ ન કરવું’ તેવો આદેશ આપી સ્ત્રી જાતિને સુરક્ષિત કરી.
તે વખતે વિધવાઓનુ રાન્ડ નામના કુત્સિત શબ્દથી સંબોધન થતું, તેના દર્શન-સ્પર્શ અમંગળ મનાતા, તેને બદલે તેમને ‘સાંખ્યયોગી’નું બિરુદ આપી સુવાસિની પરણેલી સ્ત્રીઓ કરતાં ઊંચો દરજ્જો આપ્યો.
ભગવાન શ્રી નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી સમગ્ર ભારતમાં કરેલા વિચરણ દરમ્યાન જોયું કે ઉત્સવ સમૈયામાં સ્ત્રી-પુરુષોનો ભેળીસાડો થતો, એકબીજાના દર્શન સ્પર્શમાં લોકો આનંદ માણતા. સાધુ મહંતો પણ સ્ત્રીઓની ભાવુકતાનો દુરુપયોગ કરી તેમને ભ્રષ્ટ કરતા. તેથી નિર્વિઘ્ન ભક્તિ માટે તેમણે સ્ત્રી-પુરૂષની સભા નોખી કરી. ગામડામાં સ્ત્રીઓના મંદિરો અલગ કરાવી સ્ત્રીઓને સ્ત્રીઓ જ કથા કરે તેવી વ્યવસ્થા કરી. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનો ભણતી થઈ. 1849મા જ્યારે ગુજરાતમાં સર્વપ્રથમ કન્યાશાળાઓ ખુલી, ત્યારે પ્રથમ શિક્ષિકાઓ સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનો હતી. ક્યારેક અહંકાર છોડીને ઇતિહાસને તટસ્થતાથી જોશો તો આ સમજાશે કે સમાજ અને સરકાર કરતા ભગવાન સ્વામિનારાયણ સ્ત્રીઓના સાક્ષરતા અભિયાનમાં કેટલા અગ્રેસર હતા.
ભગવાન સ્વામિનારાયણે સંતોને અષ્ટાંગ બ્રહ્મચર્યના નિયમો આપી સ્ત્રી જાતિને અંદરથી સુરક્ષિત, નિર્ભિક કરી. ઘણા એવું કહેતા હોય છે કે મન મક્કમ હોય તો આવા નિયમોની જરૂર નથી તેમને સનાતન ધર્મના શાસ્ત્રોનો થોડોક અભ્યાસ કરવાની જરૂર છે. પરાશર ઋષિ મત્સ્યકન્યાથી ભ્રષ્ટ થયા, ચ્યવન ઋષિ 60,000 વર્ષની તપશ્ચર્યા બાદ સુકન્યાથી ભ્રષ્ટ થયા, વિશ્વામિત્ર મેનકાથી ભ્રષ્ટ થયા, સૌભરિ ઋષિ પાણીમાં ૨૦,૦૦૦ વર્ષની તપશ્ચર્યા બાદ તુચ્છ માછલા-માછલીના મૈથુન જોવાથી ભ્રષ્ટ થયા, બ્રહ્મા પોતાની પુત્રી સરસ્વતીનો સ્પર્શ કરવા દોડ્યા, શંકર ભગવાન મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા (ભાગવત અષ્ટમ સ્કંધ).જોકે દેવોમાં કોઈ દોષ નથી હોતો, પરંતુ પોતાના પ્રસંગો દ્વારા તેઓ આપણને શીખવે છે કે તેઓને પણ મોહ થાય તો આપણા જેવા સાધારણ માણસોનું શું ગજું ? ૧૬ વર્ષના યુવાન શુકદેવજીને નગ્ન જોઈને પણ સરોવરમાં સ્નાન કરતી અપ્સરાઓએ વસ્ત્ર ન પહેર્યા, પરંતુ તેમના પિતા વેદવ્યાસજીને જોઈ તુરંત પહેરી લીધા, કારણકે શુકદેવજી બ્રાહ્મીસ્થિતિને પામ્યા હોવાથી તેમને સ્ત્રી-પુરૂષની ભેદ દ્રષ્ટિ નહોતી, જ્યારે વ્યાસજીને હતી. વિદુષી સુલભા બ્રહ્મવાદિજની હતી, છતાં રમણીય કુદરતી દ્રશ્ય જોઈને પરપુરુષ સાથે રમણ કરવાની ઈચ્છા થઈ. તો શું આપણે આવા બધા મહાપુરુષોથી પણ મહાન થયા, તેમના કરતાં પણ શું તમારું અને અમારું મન વધુ મજબૂત છે ?
ભાગવતમાં તો વેદવ્યાસજીએ પોતાની સગી માતા, બહેન અને પુત્રી સાથે પણ એકાંતમાં બેસવાની ના પાડી છે, તો શું તેઓ મૂર્ખ હતા ? તેમના કરતા આજના કહેવાતા ‘ક્રાંતિકારીઓ’ મહાન થયા ? આમાં સ્ત્રીઓનું કે પુરુષોનું અપમાન નથી, સ્ત્રી-પુરુષ સંયોગ જ ઘ્રૃત-અગ્નિ સમાન છે, જેમાં અગ્નિ પાસે રાખેલું ઘડાનું ઘી ઓગળ્યા વગર રહે જ નહીં.
‘કાજલ કી કોટડી મેં કિતનો હિ જતન કરો, કાજલ કો દાગ તહાં લાગે જ લાગે’ કોલસાની ખાણમાં જઈને આવો તો કપડાને દાગ તો લાગશે જ, પછી તમે કાળા કાળા કપડાં પહેર્યા હોય તો દેખાય નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય આ મર્યાદાઓને કારણે જ કહેવાય છે, જેમા કલંકનો દાગ લાગવાની શક્યતાઓ જ ભગવાન સ્વામિનારાયણે બંધ કરી દીધી. આ સંપ્રદાયને જેટલો સમજવા પ્રયત્ન કરશો તેટલા તમે તેને અંતરથી આદર આપવા, ચાહવા લાગશો. અને જો પૂર્વ સંસ્કાર ઉદય થયા હશે, તો તમે તેના અનુયાયી પણ બની જશો, જેની તમને જ ખબર નહિ પડે.
અણસમજણથી આ સંપ્રદાય સામે ગમે તેટલી ધૂળ ઉડાડશો, તે ઉડાડનારની આંખોમાં જ પડશે. સંપ્રદાયને લેશમાત્ર નુકશાન નહીં થાય, ઊલટી અમારી શ્રદ્ધા-આસ્થા વધુ દ્રઢ થશે.
દૈવી-અસુરી શક્તિઓનો સંગ્રામ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. રામ ભગવાન વખતે પણ રાવણ, કુંભકર્ણ હતા. કૃષ્ણ ભગવાનના સમયમાં પણ કંસ, શિશુપાલ, દંતવક્ત્ર હતા. છતાં सत्यमेव जयते.
ભગવાન સ્વામિનારાયણના આ નિયમો તો શાશ્વત રહેશે. તેમાં જ અમારી પ્રગતિ થઈ છે, થઈ રહી છે અને થશે. કહેવાતા ક્રાંતિકારીઓના દસકા હોય છે, પછીથી સમાજ તેમને ભૂલી જાય છે. આજે એવા લાખો વિરોધીઓ સંપ્રદાયને સમજ્યા પછી BAPSના અનુયાયી થયા છે અને થતા રહેશે. હું પણ એમાંની એક છું. અમને મહિલાઓને કોઈએ brainwash નથી કર્યા.
આ તો હજુ ટુંકમાં લખ્યું, પરંતુ સંપ્રદાયની મહિલાઓને એક દિવસ મળશો તો તમને વિસ્તારથી સમજાવશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજી શકો તે માટે ભગવાન શ્રી નીલકંઠ વર્ણી પર એક વધુ અભિષેક.
– પુષ્પાબેન હરેશભાઈ વાળા , બારડોલી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.