લેઉવા પટેલ સમાજના લોકોએ આવડત, કુશળતા, સાહસિકતા, કૌશલ્ય, દૂરંદેશી, કોઠાસૂઝ વગેરે જેવા ગુણો કેળવી ને સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે ઊંચુ સ્થાન મેળવ્યું છે. આજે તો ઉદ્યોગ, વાણિજ્ય અને સેવા ક્ષેત્રે પટેલ સમાજે પોતાની આગવી પ્રતિભા અને ઓળખ ઉભી કરી છે. મહેનતુ અને પુરુષાર્થ વાદી પટેલ ભાઈઓ આજે સમૃધ્ધિની બાબતમાં મોખરાના સ્થાને રહ્યા છે. રિદ્ધિ સિદ્ધિ મેળવી છે. લેવા પટેલ સમાજ એ શિક્ષણ ક્ષેત્રે પોતાના સંતાનો માટે છાત્રાલયો, શૈક્ષણિક સંસ્થાઓની સુવિધા ઊભી કરી છે. સમાજની વિધવા બહેનોને અનાજ સહાય વિતરણ, વિદ્યાર્થીઓને આર્થિક સહાય,પ્રોત્સાહક ઇનામો સહિતની કંઈક એટલી યોજનાઓ અમલમાં મૂકીને પટેલ સમાજના જરૂરિયાતમંદ લોકો માં આત્મશ્રદ્ધા ની દીપમાળા પ્રગટાવી છે.
સંતાનોના શિક્ષણની ચિંતા હવે પટેલ સમાજ સંચાલિત સંસ્થાઓએ ઉપાડી લીધી છે. અંતરિયાળ ગામડાઓમાં રહેતા સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ ભાવનગર સહિતના મોટા શહેરોમાં ભણવું હોય તો તેના માટે પટેલ સમાજે છાત્રાલયો શરૂ કર્યા છે. છોકરાઓ માટે તો છાત્રાલય ઉપલબ્ધ છે જ, આની સાથોસાથ દીકરીઓ માટે પણ છાત્રાલયોની સુવિધા ઉપલબ્ધ છે.
હવે એક નવો વિચાર સમાજ સામે મૂકીએ છીએ.આર્થિક સામાજિક અને રાજકીય રીતે લોંઠકો પટેલ સમાજઅન્ય જ્ઞાતિઓના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ઉત્કર્ષ અને તેમના સાર્વત્રિક કલ્યાણ માટે પણ યોગદાન આપે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થશે! સમૃદ્ધ લેઉવા પટેલ સમાજે અન્યનો પણ હાથ પકડવા નો સમય હવે પાકી ગયો છે.
જો કે સમાજના નિર્ધન લોકોને સહાય કરવી એ પટેલ સમાજની એક આગવી પરંપરા રહી છે.ગામડાઓમાં ખેતીની ઉપજ ખળાવડે આવી હોય ત્યારે ખેડૂતો ગરીબ પરિવારોને ઉદારતાપૂર્વક તેમાંથી સહાય કરે છે.મહિલાઓ વહેલી સવારે જાગીને વરણાની છાશ બનાવતી અને સવારે ગરીબ અને તવંગર વર્ગની મહિલાઓને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવતું. આંગણે આવેલા બ્રાહ્મણ સાધુ અને લોટ આપી તેમણે વળાવવામાં આવતાં. રક્ષાબંધન સહિતના પર્વે બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે. આમ સમાજના લોકો ને સહાયરૂપ થવાનો ભાવ તો પટેલ સમાજના દરેક સ્ત્રી પુરુષને વારસામાં મળતો આવ્યો છે!
વૃક્ષો ફળોથી લચી પડે છે.આવા ફળ સમાજના દરેક વર્ગને આપીને વૃક્ષોએ સ્થાન મેળવ્યું છે. કસ્તુરભાઈ લાલભાઈ ગ્રુપ એ પોતાની જ્ઞાતિ ઉપરાંત સમાજના તમામ વર્ગોને નજર સમક્ષ રાખીને સખાવતો કરી હતી. તેમણે એજ્યુકેશન સોસાયટી સ્થાપીને એલ ડી આર્ટસ કોલેજ, એલ એચ કોમર્સ કોલેજ, એમ.જી.સાયન્સ કોલેજ, એલ.એમ ફાર્મસી કોલેજ, એ જી ટીચરસ કોલેજ, એજી હાઇસ્કુલ જેવી ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી. સમાજના તમામ વર્ગોના સંતાનો આ સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને આગળ વધ્યા છે. તેઓ જીવનભર આવી સંસ્થાઓનું અહેસાન ભૂલતા નથી.
લેઉવા પટેલ સમાજે સમૃદ્ધિ ના શિખરો સર કર્યા છે ત્યારે પટેલ સમાજના દાતાઓ ને તથા અન્ય ભાઈઓએ અન્ય જ્ઞાતિઓના ઉત્કર્ષ પર યથાશક્તિ ધ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક છે. અન્ય સમાજના પરિવારના સંતાનોને શૈક્ષણિક સહાય માટે સર્વજ્ઞાતિય છાત્રાલયો, વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક યોજનાઓ, ઇનામ વિતરણ, વિધવાઓને સહાય, આરોગ્ય સેવાઓ, સમુહ લગ્નો જેવા કલ્યાણકારી કાર્યક્રમો શરૂ કરવાનું જરૂરી બન્યું છે.ગરીબ પરિવારોની વસાહતો ચાલો ને દત્તક લઇ તેમને પાયાની સુવિધા પૂરી પાડવામાં આવે તો તેમને ઘણી રાહત મળી શકે તેમ છે.
તાજેતરમાં અમેરિકાના અબજોપતિ ઓએ પોતાની અડધી સંપત્તિ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચવાનો નિર્ણય લીધો હતો.આપણા સમાજના લોકો વધારે નહીં પરંતુ આવકનો માત્ર પાંચ ટકા ભાગ પણ અન્ય જ્ઞાતિઓ માટે વાપર છે તો મોટું ઉપકારક સેવા કાર્ય કર્યું ગણાશે. આનાથી અન્ય જ્ઞાતિઓ સાથે ભાવાત્મક એકતા જળવાય છે. સમાજમાં સદભાવ ફેલાશે. આ તો પટેલ સમાજનું સામૂહિક મૂડીરોકાણ સાબિત થશે! સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ,અમદાવાદ સંચાલિત કન્યા છાત્રાલયના સત્ર પ્રારંભે જ સંત મોરારિબાપુએ તાજેતરમાં જ આ વિચારનો જાણે પડઘો પાડયો હતો.તેમણે લેવા પટેલ સમાજ ની વિદ્યાર્થીઓને ઊંચી ડીગ્રી મેળવવા તેમજ ઊંચા હોદ્દાઓ મેળવવાના આશીર્વાદ આપતા ટકોર કરી હતી કે ઊંચા સ્થાને બેસીને સમાજના ગરીબ લોકોને મદદ કરજો! સમાજમાં ઘણા એવા લોકો છે જેમણે ભૂખ્યા પેટે સૂઈ જવું પડે છે. આવા લોકોની આંતરડી સંતોષવા તત્પર રહેજો. તેમને તરછોડતા નહીં.મોરારીબાપુની આ વાત સમગ્ર પટેલ સમાજ માટે પણ દિશાસૂચક છે.- ટી. જી. ઝાલાવાડિયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news