ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નવસારી પોલીસ વિભાગ દ્વારા આજ રોજ શિક્ષકોને આદર અને સન્માન અર્થે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલનાં વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સાયબર ક્રાઇમ અપરાધ સામે રક્ષણ આપવા સાથે બાળકો અને યુવાનોને વ્યસન મુક્ત જીવન અર્થે માર્ગદર્શન આપવામાં શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત છે. ત્યારે નવસારી પોલીસ વિભાગ દ્વારા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શિક્ષક દિનની ઉજવણી આજ રોજ જિલ્લાના મુખ્ય મથક નવસારી શહેરના મતિયા પાટીદાર વાડી ખાતે કરવામાં આવી હતી.
મોટી સઁખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા
આ શિક્ષક દિન સમારોહના અધ્યક્ષ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવસારી જીલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલનાં હસ્તે પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યા છે. આ સમારોહમાં નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે ઉજ્જવળ ભવિષ્ય તે દેશના શિક્ષકો પર નિર્ભર છે. શિક્ષકો વિધાર્થીઓ અને યુવાનોને સાચી દિશામાં આગળ વધે અને સાચો રસ્તો બતાવે તે માટે કામ કરે છે. દેશની અંદર જન્મતા બાળકને માનવી બનાવવાનું કાર્ય શિક્ષક કરે છે.
સાયબર ક્રાઇમ અંગે તથા વ્યસન મુક્ત અંગે જાગૃત કરવા શિક્ષકોને અનુરોધ કરાયો
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા સાયબર ક્રાઇમ અપરાધ સામે રક્ષણ આપવા સાથે બાળકો અને યુવાનોને વ્યસન મુક્ત જીવન અર્થે માર્ગદર્શન આપવામાં શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવસારી ડીવાય એસપી સંજય રાય સાથે પોલીસ અધિકારીઓ અને આચાર્યો તેમજ ઉપઆચાર્યો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.