વર્લ્ડ કપ ટ્રોફી સાથે વતન પહોંચી ટીમ ઇન્ડિયા, પીએમ મોદી સાથે મુલાકાત બાદ મુંબઈ જવા રવાના

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ(Indian Cricket Team) જીતીને આજે વહેલી સવારે ભારત પરત ફરી છે. વતન પરત ફરતી વખતે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભારતીય ટીમને નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમ ગુરુવારે વહેલી સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી હતી.

પીએમ મોદીએ ખેલાડીઓ સાથે કરી વાત
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પીએમ હાઉસ પહોંચ્યા તો તેઓ અલગ અંદાજમાં જોવા મળ્યા. પીએમ હાઉસમાં ખેલાડીઓ સાથેની મીટિંગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી તેમના અનુભવ વિશે જાણી રહ્યા છે. વડાપ્રધાને ખેલાડીઓને પૂછ્યું કે અંતિમ મેચ અને છેલ્લી ઓવરમાં તેમનો અનુભવ કેવો રહ્યો.

એક કિલોમીટરની વિજય પરેડનું આયોજન
પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ખેલાડીઓ મુંબઈ જવા રવાના થશે, જ્યાં BCCIએ નરીમાન પોઈન્ટથી વાનખેડે સુધી એક કિલોમીટરની વિજય પરેડનું આયોજન કર્યું છે. આ પછી વાનખેડે સ્ટેડિયમમાં વિજેતા ટીમનું સન્માન પણ કરવામાં આવશે.

બીસીસીઆઈએ ટીમ માટે ખાસ ચાર્ટર્ડ એર ઈન્ડિયા ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. નેવાર્ક, ન્યુ જર્સીની બોઇંગ 777 ફ્લાઇટ બુધવારે વહેલી સવારે બ્રિજટાઉનમાં ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. આ પછી સ્પેશિયલ પ્લેન સ્થાનિક સમય અનુસાર સવારે 4.50 વાગ્યે બ્રિજટાઉનથી રવાના થયું.નવી દિલ્હીમાં ઉતર્યા પછી, T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ITC મૌર્ય હોટેલ પહોંચી જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થા
મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના રોડ શો માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 5 થી 7 દરમિયાન નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય સરઘસ કાઢવામાં આવશે. આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની ધારણા છે, તેથી પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખૂબ કાળજી લઈ રહી છે. નરીમાન પોઈન્ટ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે મરીન ડ્રાઈવ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.