બેગુસરાઈ(Begusarai): અવાર નવાર પુલ તૂટવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. આ ઘટનાઓ જોઇને લાગી રહ્યું છે કે, જનતાના રૂપિયા ખિસ્સામાં અને વિકાસ પાણીમાં… ત્યારે હાલ બિહાર (Bihar)ના બેગુસરાઈમાં પણ બુઢી ગંડક પરનો પુલ(bridge) નદીમાં તૂટી પડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સાહેબપુર કમલ બ્લોકમાં બુઢી ગંડક નદી પર બનેલો બિષ્ણુપુર અહોક ઘાટ પુલ, જે ગોવિંદપુર અને રાજૌરા જાય છે. જે આજે એટલે કે રવિવારે સવારે નદીમાં તૂટી પડ્યો હતો. જાણવા મળ્યું છે કે, બ્રિજનો ખર્ચ 13.43 કરોડ રૂપિયા હતો. આ પુલ વર્ષ 2017માં જ મુખ્યમંત્રી નવાર્ડ યોજના હેઠળ પૂર્ણ થયો હતો, પરંતુ એપ્રોચ રોડના અભાવે તેના પરથી વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો ન હતો. આ પુલનું નિર્માણ મા ભગવતી કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે હજુ સુધી આ મામલે વહીવટી તંત્રની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
વાસ્તવમાં, પુલ બન્યાના થોડા વર્ષોમાં જ તિરાડ પડી ગઈ હતી, તેમ છતાં પણ તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ છેલ્લા 9 વર્ષથી નિર્માણાધીન હતો અને એપ્રોચ રોડના અભાવે તે બિનઉપયોગી રહ્યો હતો. આ દરમિયાન થોડા દિવસો પહેલા આ પુલમાં તિરાડ પડી હતી. તેમજ બે દિવસ પહેલા પીલર નંબર 2-3 વચ્ચે તિરાડ જોવા મળી હતી.
તિરાડ પડવાની જાણ થતા જ બલિયાના એસડીઓ રોહિત કુમાર, એસડીપીઓ કુમાર વીરેન્દ્ર અને ઘણા અધિકારીઓ પુલ જોવા ગયા હતા. ત્યારે બીજી તરફ, આ સંદર્ભે લોક જનશક્તિ પાર્ટીના નેતા સંજય કુમાર યાદવે આરોપ લગાવ્યો કે પુલના નિર્માણમાં મોટાપાયે લૂંટ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરથી માંડીને અધિકારીઓએ પણ મોટી કમાણી કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પુલના નિર્માણ સમયે થયેલી લૂંટનું જીવતું જાગતું ઉદાહરણ આ પુલ તૂટી પડ્યો એ છે. તેમણે કહ્યું કે, બાંધકામ એજન્સીના કોન્ટ્રાક્ટરની વિલંબ કર્યા વિના ધરપકડ કરવી જોઈએ. સાથે જ સ્થાનિક લોકોએ પણ એવો પણ આક્ષેપ કર્યો છે કે બ્રિજના નિર્માણમાં લૂંટ થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.