અમદાવાદ(ગુજરાત): અમદાવાદ(Ahmedabad) જિલ્લાના દસક્રોઈ(Daskaroi) તાલુકાના વાંચ(Vanch) ગામની સીમમાં 65 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે. હજુ બીજા 10 જેટલાં મકાનો તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે, ઘરવિહોણાં બનેલાં 60 પરિવાર રોડ પર આવી ગયા છે. નિરાધાર હાલતમાં મુકાયેલાં આ પરિવારો છત વગર ખુલ્લાં આકાશ નીચે હાલ ખુલ્લી જગ્યામાં રહે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, તેઓ વર્ષોથી આ જગ્યા પર પરિવાર સાથે રહેતાં હતા.
તેઓ લાઇટ, પાણી, તેમ જ સરકારી સહાયવાળા ગેસ સિલિન્ડર પણ ધરાવતાં હતા. તેમની પાસે અહીંયા વસવાટ કરતાં હોવાના મતદાન કાર્ડથી લઇને આધાર કાર્ડ, રેશન કાર્ડ પણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં સુધી કે તેઓ ગ્રામ પંચાયતનો વેરો પણ ભરતા હતા. બીજી બાજુ સત્તાધીશો તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમણે ગૌચરની જમીન પર દબાણ કર્યું હોવાથી હાઇકોર્ટના આદેશથી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા સરકાર સહિત સત્તાધીશો સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વિનંતી કરી છે.
જણાવી દઈએ કે, અમદાવાદ જિલ્લાના હાથીજણથી થોડેક દૂર હાઇવેને અડોઅડ વાંચ ગામ આવેલું છે. આ ગામની સીમમાં 100થી વધુ પરિવારો રહે છે. વર્ષોથી વસવાટ કરતાં આ ગ્રામજનોના મકાનો સત્તાવાળાઓ દ્વારા તોડી પાડવામાં આવતાં ભારે ચકચાર મચી છે. મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના કારણે ગામની સીમમાં ચારે બાજુ કાટમાળ ખડકાયેલો હતો અને સમગ્ર વિસ્તાર ભેંકાર ભાસતો હતો.
તો કેટલાંક મકાનો પર હથોડાં પડી રહ્યાં હોવાના અવાજો સંભળાઇ રહ્યાં હતા. સૂમસામ લાગતા આ વિસ્તારના રહીશો મકાનના કાટમાળ વચ્ચે પોતાના પરિવાર અને ઘરવખરી સાથે બેઠેલાં જોવા મળ્યાં હતા. ત્યારબાદ સ્થાનિક રહીશોથી માંડીને સરપંચ તેમ જ તલાટી કમ મંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હાઇકોર્ટના આદેશથી આ પગલું ભરવામાં આવ્યું હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો.
આ અંગે હાઇકોર્ટમાં પીટીશન કરનારા વ્યક્તિઓને પણ રૂબરૂમાં મળ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, દબાણો દૂર કરવા માટે સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, પોલીસ બંદોબસ્ત નહીં મળવાના કારણે તોડવામાં આવ્યા નહોતા. આથી જ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશના પગલે આ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
વાંચ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉષાબેન પટેલે જણાવ્યું કે, હાઇકોર્ટના આદેશ અને અમદાવાદ જિલ્લા કલેકટરની સૂચનાથી ગઇ તા. 24, 25 અને 26મી મેના રોજ 60 જેટલાં મકાનો તોડવામાં આવ્યા હતાં. આ મકાનોમાં રહેતાં લોકોને 4 મેના રોજ નોટિસ આપવામાં આવી હતી. માપણીનું કામ બધાંની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને તેમને સમય પણ આપવામાં આવ્યો હતો. તે ચાર મહિનાથી સરપંચ પદે હોવાથી વધુ કંઈ જાણતા નથી. તલાટી સાહેબ તમને વધુ જણાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, વૈકલ્પિક વ્યવસ્થા અંગે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવશે.
ભીમરાવનગર- જોજીના ટેકરાં પર રહેતાં જયેશભાઇ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘અહીંયા બધાં 25-30 વર્ષથી રહીએ છીએ. કાયદા મુજબ ગ્રામ પંચાયતે આકારણી કરેલી છે. અમે પંચાયતનો વેરો નિયમિત ભરીએ છીએ. લાઇટ, પાણી વગેરે પણ મળેલું છે. ત્યાં સુધી કે સરકારી ગેસના બાટલાં પણ સહાયરૂપે મળે છે. છેલ્લાં ઘણાં સમયથી ચળવળના કારણે અમારા મકાનો કોઇ કારણોસર તોડવામાં આવ્યા છે. અમને કોઇપણ આગોતરી જાણ કરવામાં આવી નથી. સરકાર તથા પંચાયતને ઘરવિહોણાં લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.