સુરતીઓ માટે રાહતના સમાચાર; વિયર કમ કોઝવે આખરે 142 દિવસ બાદ ખુલ્લો મુકાયો

Surat Causeway News: સુરતમાં ચોમાસામાં ઓવરટોપીંગની લીધે બંધ કરાયેલો વિયર કમ કોઝવે ખુલ્લો મૂકાયો છે. આ વખતે સતત 142 દિવસ સુધી કોઝ વે (Surat Causeway News) બંધ રહ્યો હતો. કોઝ વે ખુલ્લો મૂકાતા રાંદેર-કતારગામના વાહનચાલકોનો ફેરો ઘટશે.

દિવાળી સુધી વરસાદ રહ્યો
રાંદેર-કતારગામને જોડતાં તાપી નદી પર બનાવવામાં આવેલો વિયર કમ કોઝ વે 1 જુલાઈના રોજ ઓવરફ્લો થતા બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરતમાં વરસાદ ઘટ્યો હતો. પરંતુ ઉકાઈ અને કાકરાપારથી આવતા પાણીના કારણે કોઝ વે સતત ઓવર ફ્લો રહ્યો હતો.

જેના કારણે કોઝ વે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આ વર્ષે દિવાળી સુધી વરસાદ હતો. જેના કારણે કોઝ વેની સપાટી ભય લેવલ સુધી હતી. તેથી કોઝ વે બંધ રાખવામાં આવ્યો હતો. સફાઈ કર્યા બાદ કોઝ વે પરનો વાહન વ્યવહાર આજે શરૂ કરી દેવામાં આવ્યો છે.

2022માં 223 દિવસ કોઝ વે બંધ રહેલો
કોઝ વે 142 દિવસ સુધી સતત બંધ રહેતાં આ દિવસો દરમિયાન અડાજણ-કતારગામ દરવાજાને જોડતાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ તથા ડભોલી-જહાંગીરપુરાને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહ્યું હતું.

આજે કોઝ વે ખુલ્લો મૂકાતા આ બન્ને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાન ચાલકોને ઈંધણની બચત સાથે સમયની પણ બચત થશે. આ વર્ષે કોઝ વે  142 દિવસ બંધ રહ્યો હતો. આ અગાઉ 2019માં કોઝ વે સળંગ 119 અને 2022માં 223 દિવસ કોઝવે બંધ રહ્યો હતો.