હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે જોવા મળતું હોય છે. કહેવામાં આવે છે કે, શ્રાવણ મહિનો એ ભોલેનાથ (Bholenath)નો પ્રિય મહિનો છે. આ માસમાં જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી અને ભક્તિભાવથી પૂજા કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે હાલ અમે તમને આજે એક એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભોલેનાથનું આ મંદિર ગોધરા(Godhra) શહેરમાં અમદાવાદ(Ahmedabad) હાઇવે ઉપર હનુમાન ચોક ખાતે મંગલનાથ મહાદેવનું અતિ પ્રાચીન શિવ મંદિર(Shiva temple) આવેલું છે.
મળતી માહિતી અનુસાર, ઘનઘોર જંગલમાં એક તલાવડી પાસે આવેલા આ શિવ મંદિરનો મહિમા અપરંપાર છે. અહીં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. આ અતિ પ્રાચીન શિવ મંદિરનો ઈતિહાસ પણ અતિ રસપ્રદ છે. આ મંદિરનો ઈતિહાસ સમુદ્રમંથન સાથે જોડાયેલો છે. આ મંદિરે શિવરાત્રીના રોજ મેળો ભરાય છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.
દેવ તલાવડી પાસે આવેલા શિવમંદિર સાથે જોડાયેલી કથા:
સૌ કોઈ જાણે જ છે કે, હજારો વર્ષ પહેલાં દેવ અને દાનવો વચ્ચે સમૃદ્ધમંથન થયું હતું, તેમાંથી 14 રત્ન બહાર આવ્યા હતા. એમાનું એક રત્ન અમૃત હતું, જેને દાનવોના હાથમાંથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનો પરીવેશ ધારણ કરીને અમૃતને દાનવો પાસેથી પાછું લાવ્યા હતા અને દેવોને અમૃત આપ્યું હતું.
આ અમૃત પીધા પછી દેવોને થાક લાગતાં તેમણે સ્નાન કરવાની ઈચ્છા થઈ હતી. ત્યારે દેવોએ પૃથ્વી તરફ પ્રયાણ કરી પરિક્રમા કરતા કરતા તેમની નજર ગૌ-ધરા એટલે કે ગોધરાની ધરતી ઉપર પડી હતી. આ દરમિયાન ત્યાં કેટલીક ગાયો જેમાં કામધેનુ, નંદિનીનો સમાવેશ થાય છે, તે ધરતી ઉપર ચરતી હતી. ત્યાં એક તલાવડી દેખાતાં દેવો તરત ધરતી ઉપર આવ્યા અને આ તલાવડીમાં સ્નાન કર્યું હતું.
સમુદ્રમંથન સાથે જોડાયેલી છે મંગલનાથ મહાદેવની કથા:
ત્યારબાદ દેવોએ આ જગ્યાએ શિવજીની ઉપાસના કરી શિવલિંગની સ્થાપના કરી હતી. જે આજે મંગલનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ છે. જ્યાં અસંખ્ય ભક્તો દર્શન કરી પોતાના કાર્યને મંગલમય બનાવવાની કામના કરે છે. આ મંદિરમાં મહાદેવના દર્શન માત્રથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ભોઈ સમાજના લોકો કાલ ભૈરવની પૂજા કરવા આવે છે:
જાણવા મળ્યું છે કે, ગોધરાના દેવ તલાવડી મંદિરે શિવજીના શિવલિંગ સિવાય સંકટ મોચન હનુમાન દાદા, બળીયાદેવ મહારાજ, ગણેશજી અને આદ્યશક્તિ માઁ અંબેની મૂર્તિઓ બિરાજમાન છે, જ્યાં અસંખ્ય ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત અહીંયા એક પીપળાના ઝાડ નીચે એક કૂવો આવેલો છે, જ્યાં સાક્ષાત કાલ ભૈરવની મૂર્તિ આવેલી છે. અહિ દર વર્ષે મધ્યપ્રદેશના ઈન્દૌરથી ભોઈ સમાજના લોકો કાલ ભૈરવની પૂજા કરવા માટે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.