ધનુષ આકારનું સૌથી મોટું રામ મંદિર, અહીં તરે છે રામસેતુનો પથ્થર

Rajkot Ram Mandir: રાજકોટથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા રતનપર ગામમાં શ્રી રામ ચરિત માનસ મંદિર આવેલુ છે. આ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મંદિર વિશ્વનું સૌથી મોટુ ધનુષ આકારનું મંદિર માનવામાં આવે છે. આ મંદિરની(Rajkot Ram Mandir) સૌથી મોટી વિશેષતા એ છે કે, આ મંદિરમાં રામસેતુ સમયનો પથ્થર અહિંયા પાણીમાં તરે છે. જેને જોવા લોકો દેશ-વિદેશથી આવે છે. આ સાથે જ લોકો આ મંદિરમાં દૂર દૂરથી પોતાની માનતા પુરી કરવા માટે આવે છે.

આ મંદિરમાં વચ્ચે એક પણ પિલોર કે બીમ નથી
રતનપરમાં આવેલા ભગવાન શ્રી રામના મંદિરમાં પગ મૂકતાં જ દરેક શ્રદ્ધાળુઓને અલૌકિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. આ આખુ મંદિર ધનુષ આકારનું છે. આ મંદિરમાં વચ્ચે એક પણ પિલોર કે બિમ નથી. મંદિરની બાજુમાં રામ ચરિતનું સૌથી જુનુ મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત આ મંદિરની બીજી એક વિશેષતા પણ છે. મંદિરમાં આખી રામાયણ બતાવતી ઝાંખી રજુ કરવામાં આવી છે. રામાયણ સમયના દરેક પ્રસંગને અહિંયા રજુ કરવામાં આવ્યો છે. જે લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ મંદિર 207 ફૂટ લાંબુ, 99 ફૂટ પહોળું અને 81 ફૂટ ઉંચુ
મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, મનહરલાલજી મહારાજે કાશીમાં રામ ચરિતમાનસ મંદિરના દર્શન કર્યા અને વિચાર આવ્યો કે આપણે પણ રામ ચરિત માનસ મંદિર બનાવીએ. તે માટે બધાએ બીડું ઝડપ્યું. મારા દાદાના મિત્ર વજુભાઈ નથવાણી અને સાતા સાહેબે મારા દાદા પાસે મંદિર માટે જગ્યા માંગી અને મારા દાદાએ જમીન આપી. બાદમાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ રામ ચરિત માનસ મંદિરને બનતા 25 વર્ષ જેટલો સમય લાગ્યો છે. જ્યારે આ મંદિર 207 ફૂટ લાંબુ, 99 ફૂટ પહોળું અને 81 ફૂટ ઉંચુ છે. વિશ્વમાં ધનુષ આકારનું આટલું મોટું મંદિર બીજે ક્યાંય ન હોવાનું પ્રવિણસિંહનું કહેવું છે.

ભવ્ય મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર
શ્રી રામચરિત માનસ મંદિરમાં રામ દરબારની સુંદર ઝાંખી ઉપરાંત દ્વારકાધીશ તેમજ રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આમ એક જ જગ્યાએ ભગવાન વિષ્ણુના બે અવતાર તેમજ ભગવાન સદાશિવ ભોળાનાથ બિરાજમાન હોય તેવું અલૌકિક અને ભવ્ય મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત જગન્નાથીજી, સત્યનારાયણ, ગાયત્રી માતાજી સહિતના ભગવાન અને માતાજીના નાના નાના મંદિરો આવેલા છે.

અમેરિકાવાળાએ સંશોધન કર્યું
મંદિરમાં જે પથ્થર તરે છે તેનું વજન 11 કિલો છે. 40 વર્ષ પહેલા એક સંત આવ્યા હતા. જે આ પથ્થર અહિંયા મૂકી ગયા હતા. ત્યારે તેમને કહ્યું હતું કે, આ પથ્થર પ્રસાદીના રૂપમાં આપી જાવ છું. જે પણ ભક્ત તેના દર્શન કરશે તેની મનોકામના પૂર્ણ થશે. વધુમાં પ્રવિણસિંહ ઝાલાએ કહ્યું કે, જો બીજો કોઈ પથ્થર હોય તો તે પાણીમાં ડૂબી જાય પણ આ પથ્થરને 40 વર્ષ થયા છે. છતા આ પથ્થર ડૂબ્યો નથી. આ પથ્થર પર રામ પણ લખેલુ છે. અમેરિકાવાળાએ સંશોધન પણ કર્યું છે કે, જો વિશ્વમાં કોઈ મોટામાં મોટો પુલ હોય તો તે આ રામસેતુ પુલ છે. જે અત્યારે દરિયાની અંદર છે. જે પુલમાંથી પથ્થર અલગ પડ્યા હોય તે આ પથ્થર છે. આવા પથ્થર રામેશ્વરમાં આજે પણ જોવા મળે છે.

મંદિરમાં આવેલી છે ગૌશાળા
રામ ચરિત માનસ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે. જેમાં માત્ર દેશી ગાયો જ રાખવામાં આવી છે. જેમની સારસંભાળ અને જતન કરવામાં આવે છે. અહી પણ એક વિશેષતા છે. મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ જ્યારે સીતારામ અને જય સિયરામનો સાદ પડે છે ત્યારે બધી જ ગયો દૂરથી દોડતી તેમની પાસે આવી જાય છે. આ જોઈને મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ પણ આશ્ચય ચકિત થઈ જાય છે.

મંદિરમાં છે રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા
રતનપરમાં આવેલુ રામચરિત માનસ મંદિર ગુજરાત ઉપરાંત દેશમાં પણ જાણીતુ છે. જેથી અહી બીજા રાજ્યમાંથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે. માટે અહી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ શ્રદ્ધાળુઓ માટે બપોરે અને સાંજે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.