રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ બની રહી છે. આ દરમિયાન ફરીવાર એવી એક ઘટના બની છે જેમાં એક પ્રોફેસર દીકરાએ પોતાની જ માતાની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ દીકરો જેલ ભેગો થયો હતો અને તેના પર કેસ ચાલતો હતો તેને હવે સાડા ત્રણ વર્ષ બાદ કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવામાં આવી. જણાવી દઈએ કે, આ ઘટનાને દીકરાએ આપઘાતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, જયારે સમગ્ર રહસ્યનો ખુલાસો થવા પામ્યો ત્યારે સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક નજીક આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રોફેસર દીકરાએ 27 સપ્ટેમ્બર 2017 ના રોજ પોતાની માતાને એપાર્ટમેન્ટની છત ઉપરથી નીચે ફેંકી દીધી હતી. અને આ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવી હતી. પરંતુ, આ ઘટના બાદ દીકરાએ જ માતાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
આ બાબતે વધુમાં મળેલી માહિતી મુજબ, પ્રોફેસર દીકરા સંદીપ નાથવાણીએ તેની વૃદ્ધ માતા જયશ્રીબે નથવાણીની ચોથામાળેથી ફેંકી દીધી અને હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. શરૂઆતમાં તો આ ઘટના આત્મહત્યા લાગતી હતી. પરંતુ, સીસીટીવી ફુટેજમાં ખુલાસો થતા કપાતર દીકરાની કાળી કરતૂત સામે આવી છે.
ઘટનાના સીસીટીવી ફુટેજમાં સંદીપ નથવાણી અગાસી પર જ્યારે પોતાની માતાને લઇ જઇ રહ્યો હતો ત્યારે પોતાની માતાને ચંપલ પહેરાવે છે. પરંતુ, સંદીપ નથવાણી જ્યારે અગાસી પરથી નીચે આવે છે ત્યારે પોતાની માતાએ પહેલા ચપ્પલ પોતે પહેર્યા હોવાનું સીસીટીવીમાં કેદ થાય છે. તો સાથે જ સીસીટીવીમાં દર્શાવેલ સમય મુજબ 8:56:40 સેકન્ડ પર જ્યારે જયશ્રીબેનનું મોત નીપજ્યું છે તે સમયે તેના પુત્રની હાજરી તેના ફ્લેટમાં નહીં પરંતુ અગાસીમાં જ હોવાનું સામે આવે છે.
આરોપી સંદીપે પોતાનો ગુનો કબુલતા જણાવ્યું હતું કે, તે તેની માતાની લાંબી બીમારીથી કંટાળી ગયો હતો. આ ઉપરાંત, પત્ની સાથે પણ અવાર-નવાર જગડા થતા હોવાના કારણે તેને તેની માતાની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. પોલીસ દ્વારા આરોપી પુત્રના જવાબના આધારે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. હાલમાં રાજકોટ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ બાદ માતાના હત્યારા પ્રોફેસર પુત્રને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જનેતાની ઠંડા કલેજે હત્યા કરનાર પુત્ર વિરુદ્ધ હત્યા કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોક્ટર, પોલીસ, ફ્લેટ ધારકો, આરોપીની બહેન અને બનેવી સહિત 28 વ્યક્તિના મૌખિક પુરાવા અને રેકોર્ડ પરની તમામ હકીકતો ધ્યાને એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એન.દવેએ જનેતાને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર કપૂત સંદીપ નથવાણીને ખૂનના ગુનામાં તકસીરવાન ઠેરવતો હુકમ ફરમાવી હત્યારા પુત્રને કોર્ટ દ્વારા આજીવન કેદનો ચુકાદો ફરમાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.