લખનઉ: હાલમાં લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, બલરામપુર હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કિશોરીના પેટનું ઓપરેશન કરી આશરે 2 કિલો વાળનો મોટો ગુચ્છો બહાર કાઢવામાં આવ્યો છે. બે વર્ષથી કિશોરી સતત નબળી પડી રહી હતી. પરિવારને તેના માથા પરથી વાળ ખરતા હોવાની જાણ થતા તેને પૂછ્યું તો કિશોરીએ કોઈ જવાબ આપ્યો નહોતો.
મળતી માહિતી મુજબ, 10 દિવસ પહેલા તેને પેટમાં તીવ્ર દુ:ખાવો અને ઊલટી થઈ હતી. ત્યારબાદ પરિવાર કિશોરીને બલરામપુર હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેનું સર્જરી વિભાગના ડો. એસ.આર. સંદર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટમાં કિશોરીના પેટમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ડોકટરોએ સિટી સ્કેન કરાવવાનું નક્કી કર્યું હતું.
સિટી સ્કેન કરતા પેટમાં મોટો ગુચ્છો મળી આવ્યો હતો. એન્ડોસ્કોપમાં જાણવા મળ્યું કે, કિશોરીના પેટમાં ટ્રોયકોબિજર છે. જે લગભગ બે કિલોનો હોવાનું જાણવા મળ્યું હતું. 20 સેમી પહોળો ગુચ્છો જોઈને ડોક્ટર પણ ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ તેને કાઢવા ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે 1.5 કલાક સુધી ચાલ્યું હતું.
ઓપરેશન બાદ હાલમાં કિશોરી ભાનમાં આવી ગઈ છે. તેને પેટમાં દુ:ખાવા સહિતની અન્ય સમસ્યાઓમાંથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, કિશોરી જન્મજાત માનસિક ક્ષતિથી પીડાય છે. જેથી તે વાળને તોડીને ખાતી હતી. લાંબા સમય સુધી આમ કરવાથી વાળના ગુચ્છાથી પેટમાં ગાંઠ થઈ ગઈ હતી.
સતત વાળ ખાવાથી ધીમે ધીમે પેટથી નાના આંતરડાનો માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો હતો. જેના કારણે ખોરાક પાસ થઈ શકતો નહોતો અને તેનું 32 કિલો વજન ઘટી ગયું હતું. માનવ શરીર વાળને સરળતાથી પચાવી શકે નહીં. જેના કારણે તેના પેટમાં વાળ ભેગા થવા લાગ્યા હતા. આ વાળને કાઢવા માટે સર્જરી સિવાય કોઈ વિકલ્પ નહોતો.
ડોક્ટરના જણાવ્યા અનુસાર, કિશોરી ટ્રાઇકોબેઝોર રોગથી પીડાઈ રહી હતી. આ રોગમાં દર્દી પોતાના વાળ તોડીને ખાય છે. આને તબીબી વિજ્ઞાનની ભાષામાં ટ્રાઇકોબેઝાર પણ કહેવામાં આવે છે. આ રોગ ખૂબ જ દુર્લભ અને જટિલ છે. આવા દર્દીઓને માનસિક રોગોના લક્ષણો પણ હોય શકે છે. જે દર્દીને તેના વાળ ખાવા માટે મજબૂર કરે છે. ઉલ્લેખનીય છે કે, કિશોરીના ટેસ્ટથી લઈ ઓપરેશન સુધીની પ્રક્રિયા મફત થઈ હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન માટે ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.