હિંદી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રીરામ લાગુનુ મંગળવારે પૂણેમાં નિધન થઈ ગયુ. શ્રીરામ લાગુ 92 વર્ષના હતા. તેમનો ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસોથી પૂણેની એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. છેલ્લા બે દિવસથી તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. અભિનેતા સાથે સાથે તે એક પીઢ થિયેટર કલાકાર પણ હતા. તે છેલ્લા ઘણા સમયથી બિમાર હતા.
પોતાની કરિયરમાં શ્રીરામ ‘આહટ’, ‘એક અજીબ કહાની’, ‘પિંજરા’, ‘મેરે સાથ ચલ’, ‘સામના’, ‘દૌલત’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. 1978માં ફિલ્મ ‘ઘરોંદા’ માટે ડૉ. લાગુને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાના ફિલ્મફેર પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે લગભગ 20 મરાઠી પ્લે ડાયરેક્ટ પણ કર્યા. શ્રીરામ લાગુનો જન્મ 16 નવેમ્બર 1927માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો.
તે એક પીઢ થિયેટર કલાકાર હતા. શ્રીરામ લાગુ એક્ટર નહોતા બનવા ઈચ્છતા. તેમનુ સપનુ હતુ કે તે ડૉક્ટર બને. આ જ કારણ હતુ કે તેમણે મેડીકલ કોલેજમાં એડમિશન લીધુ અને એમબીબીએસ અને એમએસની ડિગ્રી મેળવી પરંતુ કોલેજના દિવસોમાં જ તેમને અભિનયનો ચસ્કો લાગ્યો પરંતુ તેમણે પહેલા પોતાની ઈએનટી સર્જનની ડિગ્રી મેળવી. ડૉ. લાગુ પ્રસિદ્ધ નાટક ‘નટ સમ્રાટ’ના પહેલા હીરો હતા. આ નાટકને પ્રસિદ્ધ લેખક કુસુમાગ્રએ લખ્યુ હતુ. આ નાટકમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે.
‘નટ સમ્રાટ’માં તેમણે અપ્પાસાહેબ બેલવલકરની ભૂમિકા નિભાવી હતી જેમને મરાઠી થિયેટર માટે એક મીલના પત્થર માનવામાં આવે છે. અભિનેતા શ્રીરામ લાગુના નિધન પર એનસીપી પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નિતિન ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
40 જેટલા મરાઠી, હિન્દી અને ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું
શ્રીરામ લાગું ઉમદા અભિનેતા ઉપરાંત ઇએનટી સર્જન પણ હતા. તેમણે 100થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં તેમ જ 40 જેટલા મરાઠી, હિન્દી અને ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. તેમણે લગભગ 20 મરાઠી નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું. હિન્દી અને મરાઠી સિનેમામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું.
પુણેમાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન થિયેટર સાથે સંકળાયા
ડૉ. જબ્બાર પટેલ (પીડિયાટ્રિશિયન), ડૉ. મોહન અગાસે (સાયકિયાટ્રિસ્ટ) અને ડૉ. લાગુ (કાન, નાક, ગળાના સર્જન) એ જમાનામાં કૉલેજ સ્તરની નાટ્યસ્પર્ધાઓમાં એવો તહેલકો મચાવેલો કે આજે ય એ દૌર બેમિસાલ ગણાય છે. સખારામ બાઈન્ડર, ઘાસીરામ કોતવાલ, ત્હો મી નાવેચ, રંગબિલોરી, દેવાલા સાક્ષી કળુણ અને નટસમ્રાટ જેવા લાજવાબ નાટકો એ ત્રિપૂટીની દેણ છે. વિ.વા.શિરવાડકરનું નટસમ્રાટ પ્રથમ વખત એકાંકી તરીકે ટુંકાવીને ડૉ. લાગુએ પ્રભાત નાટ્યસ્પર્ધામાં ભજવ્યું હતું. એ પછી ત્રિઅંકી નાટકમાં પણ એમણે રેકોર્ડબ્રેક શૉ કર્યા. નાના પાટેકરને એ ફિલ્મ માટે ભારે વ્યાપક પ્રશસ્તિ મળી ત્યારે એમણે નમ્રતાપૂર્વક કહ્યું હતું કે, “તમે ફક્ત મને જ જોયો છે, પણ મેં તો લાગુસાહેબને જોયા છે. ખરાં નટસમ્રાટ તો એ જ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.