સુરતમાં ભૂરી બસનો આંતક: ખજોદ વિસ્તારમાં સિટી બસે એક જ પરિવારના 3 લોકોને લીધા અડફેટે, એકનું મોત અન્ય ઘાયલ

Surat City Bus: સ્વચ્છતા સર્વેક્ષણમાં હાલમા જ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે. પરંતું સ્વચ્છ શહેરના રસ્તાઓ પર સિટી બસ(Surat City Bus)ના ડ્રાઈવરો લોહીની નદીઓ વહાવી રહ્યાં છે. સુરતની સિટી બસ ફરી એકવાર કાળમુખી બની છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસના ચાલકે ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. આજે સવારે એક જ પરિવારના ત્રણ લોકોને સિટી બસે અડફેટે લીધા હતા, જેમાં એકનું મોત નિપજ્યું છે.

શું બની ઘટના ?
સચિન જીઆઇડીસી ખાતે સીટી બસે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા ત્રણ વ્યકિત પૈકી યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે મજુરી કામ કરનાર ભાઇ અને તેની બહેનને નાની મોટી ઈજા થઇ હતી. જયારે બીજા બનાવમાં લસકાણામાં શુક્રવારે સાંજે બીઆરટીએસ બસે અડફેટે લેતા તરૃણીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. નવસારીમાં વિજલપોર ખાતે ક્રિષ્ણા નગરમાં રહેતો 28 વર્ષીય શિવાપ્રતાપ ગણેશપ્રસાદ સોનકર શુક્રવારે સાંજે સચિન તલંગપૂર ખાતે તેમના સંબંધીની બાંધકામ સાઈટ પરથી મજૂર કામ કરતો કુમાર લસીયા ડાવર (ઉ.વ.20 અને તેની બહેન કીચપા ડાવર ઉ.વ.16 -બંને રહે-ખજોદગામ બાંધકામ સાઇડ પર) બાઈક બેસાડીને ખજોદ ખાતે મુકવા જવા નીકળ્યો હતો. તે સમયે સચિન જીઆઇડીસીમાં ગીંજા મીલ તરફથી જતા રામેશ્વર કોલોની ગભેણી રોડ ઉપર બ્લ્યુ કલરની સીટી બસના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા શિવાપ્રતાપ અને કુમારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જયાં ટુંકી સારવાર દરમિયાન શિવાપ્રતાપનું મોત થયુ હતુ. જયારે કુમાર ડાવરને નવી સિવિલમાં દાખલ કર્યો છે. અને તેની બહેનને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે શિવાપ્રતાપ મુળ ઉતરપ્રદેશનો વતની હતો. તેના છ મહિના પહેલા લગ્ન થયા હતા. જયારે 10-15 દિવસ પહેલા સુરત આવ્યો હતો. ઇજા પામેલા ભાઇ-બહેન મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની છે. તે અને તેમના પિતા બાંધકામ સાઇટ ઉપર મજુરી કામ કરે છે. આ અંગે સચિન જીઆઆઈડીસી પોલીસે બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક જ મહિનામાં 5મી ઘટના બની
ઉલ્લેખનીય છે કે માત્ર એક જ મહિનામાં અકસ્માતની આ 5મી ઘટના છે. ગઇકાલે સુરતના ભેસ્તાન વિસ્તારમાં BRTS બસની અડફેટે આવતા યુવકનું મોત નિપજ્યું હતું.અહીંયા સવાલ એ ઉભો થાય છે કે,ક્યાં સુધી આવી બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાશે?બીઆરટીએસની અવાર નવાર ફરિયાદો આવ્યા કરે છે.તેમ છતાં પણ શા માટે આ ડ્રાયવરો સુધરવાનું નામ લઇ રહ્યા નથી.આ સીટી બસના ડ્રાયવરો અવાર નવાર વિવાદમાં આવ્યા કરે છે ક્યારેક ટિકિટ નથી આપતા,તો ક્યારેક મુસાફરો સામે દાદાગીરી કરે છે.

કોર્પોરેશનનું કહેવું છે કે,શહેરની સિટીબસ લોસમાં ચાલી રહી છે પરંતુ તે એકવાર ખાલી બસની હાલત જોવે તો અમને ખ્યાલ આવે કે, વાસ્તવિકતા શું છે?લોકોનું કહેવું છે, કે કંડકટર અને ડ્રાયવરની મિલી ભગતના કારણે એ લોકો મુસાફરોને ટિકિટ આપવાના બદલે જે તે પૈસા આવે તે પોતાના ખિસ્સામાં નાખી દે છે,અને કોર્પોરેશનમાં પૂરતા પૈસા જમા કરાવતા નથી,જેના કારણે કોર્પોરેશને નુકશાન સહન કરવાનો વારો આવે છે.