યુક્રેનમાં પહેલા ભારતીયનું મોત- રશિયાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત ‘ઓમ શાંતિ’

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): ખાર્કિવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે ખાર્કિવમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે. કર્ણાટકના નવીન નામના યુવાનનું અવસાન થયુ છે, તેના મિત્રોએ જણાવ્યું હતું કે, તેઓ પશ્ચિમ સરહદે પહોંચવા માટે લ્વિવ જવા માટે ટ્રેન સ્ટેશનથી રવાના થયા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાની સેનાએ ખાર્કીવ અને કિવ વચ્ચેના ઓક્તિરકા શહેરમાં એક સૈન્ય મથક પર હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 70 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. તે જ સમયે, રશિયન દળોએ કિવ, ખાર્કિવ અને ચેર્નિહાઇવમાં આર્ટિલરી (તોપો) વડે હુમલાઓ તીવ્ર કર્યા છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકો પર ખતરો વધી ગયો છે.

દરમિયાન, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડવા માટે કહ્યું છે. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી ઈમરજન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીયો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તરત જ શહેર છોડી દેવું જોઈએ.

સેટેલાઇટ-ઇમેજિંગ કંપની મેક્સર ટેક્નોલોજીસ દ્વારા બહાર પાડવામાં આવેલ ઉપગ્રહ દર્શાવે છે કે રશિયન દળો રાજધાની કિવથી લગભગ 27 કિલોમીટર દૂર એન્ટોનોવ એરપોર્ટની નજીક પહોંચી ગયા છે. લગભગ 65 કિલોમીટર લાંબી અહીં ઘણી બધી મિલિટરી ટ્રક અને ટેન્ક જોવા મળી હતી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનનું કહેવું છે કે યુક્રેનની સરહદ પર તૈનાત લગભગ 75% રશિયન સૈનિકો યુક્રેનમાં પ્રવેશી ચૂક્યા છે.

યુક્રેન યુદ્ધમાં વર્તમાન સ્થિતિ
યુક્રેનનો દાવો છે કે, આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 5,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનની સેનાએ લગભગ 151 ટેન્ક, 29 એરક્રાફ્ટ અને 29 હેલિકોપ્ટરનો નાશ કર્યો છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે યુક્રેનમાં 94 લોકોના મોત અને ઓછામાં ઓછા 376 નાગરિકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે.

પુતિને આપી ધમકી
અહીં દુનિયાના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. રશિયાએ આ દેશોને ચેતવણી આપી હતી કે જો આ ઉપકરણોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ થશે તો તેને મોકલનાર દેશ જવાબદાર હશે. આ પહેલા પણ પુતિને નાટોને યુક્રેનને સમર્થન આપવા બદલ ગંભીર પરિણામોની ધમકી આપી હતી. તે જ સમયે, ફિનલેન્ડ અને સ્વીડનને નાટોમાં ન જોડાવા ચેતવણી આપવામાં આવી હતી.

યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલુ રહે છે
સૈન્ય મુકાબલો વચ્ચે આ સંકટને ઉકેલવા માટે રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC) એ યુક્રેન કટોકટી પર કટોકટીની ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 29 અને વિરોધમાં 5 મત પડ્યા હતા. ભારત સહિત 13 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. UNHRCમાં કુલ 47 સભ્યો છે.

અમેરિકાએ 12 રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા
બીજી તરફ અમેરિકાએ રશિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેના 12 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. અમેરિકાનું કહેવું છે કે, યુએનના 12 રશિયન રાજદ્વારીઓને બિન-રાજદ્વારી ‘પ્રવૃત્તિઓ’ના કારણે હાંકી કાઢવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *