રાજ્યમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી; સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર

Gujarat Red Alert: હવામન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ(Gujarat Red Alert) વરસી શકે છે. હવામાન વિભાગે 21 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે.

હવામન વિભાગે સુરત સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

સુરતના મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૃપ્તિબેને જણાવ્યું હતું કે રેડ એલર્ટના પગલે ડિઝાસ્ટરની ટીમ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.  એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તહેનાત રાખવામાં આવી છે. તમામ મામલતદારોને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિને લઈ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ એલર્ટ કરાયા છે. 

રેડ એલર્ટ
સુરત, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે. જયારે સૌરાષ્ટ્ર- કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

25 જુલાઈ સુધી વિવિધ ભાગોમાં વરસાદ પડશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત રાજ્ય પર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટન્સ સક્રિય થયું હોવાથી સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે જ  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યમાં 14થી 25 જુલાઈ દરમિયાન વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદ શહેરમાં સોમવારે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે.