‘બદ્રી વિશાલ લાલ કી જય…’ ના જયકારા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂલ્યા બદ્રીનાથ ધામના કપાટ; મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન પહોંચ્યા

Badrinath Dham Kapat opened: કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના પણ કપાટ ખોલી દેવામાં આવ્યા છે. આજે સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ‘બદ્રી વિશાલ લાલ કી જય’ના નારાઓ સાથે 6 વાગ્યે ખોલવામાં (Badrinath Dham Kapat opened) આવ્યા છે. યાત્રિકોનું હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.બ્રહ્મમુહૂર્તમાં ગણેશ અને દ્વાર પૂજા કરવામાં આવી હતી.

આ સમય દરમિયાન, આર્મી બેન્ડની મધુર ધૂન વચ્ચે, ભક્તો ભગવાન બદ્રી વિશાલનો જયઘોષ કરતા જોવા મળી રહ્યા હતા. પહેલા દિવસે લગભગ 20 હજાર શ્રદ્ધાળુઓનાં પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે કેદારનાથમાં પહેલા દિવસે 32 હજાર ભક્તોએ દર્શન કર્યા, જે પોતાનામાં એક રેકોર્ડ બનાવ્યો છે..

ચાર ધામની યાત્રા શરૂ
વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના કપાટ છ મહિનાના બાદ ખોલવામાં આવ્યા છે. ગયા વર્ષે શીતકાળ માટે બદ્રીનાથ ધામના કપાટ 18 નવેમ્બરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે આજથી ઉત્તરાખંડના ચાર ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે. આ પહેલા ત્રણ ધામ શ્રી કેદારનાથ, શ્રી ગંગોત્રી, શ્રી યમુનોત્રી ધામના દ્વાર ગયા શુક્રવાર, 10 મે, અક્ષય તૃતીયાના દિવસે ખોલી દેવામાં આવ્યા છે.

નવેમ્બર સુધી રહેશે ચાલુ
બદ્રીનાથ યાત્રા એ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ તીર્થયાત્રા ગણવામાં આવે છે, જે મુખ્યત્વે ભગવાન વિષ્ણુના ભક્તો દ્વારા કરવામાં આવે છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત પવિત્ર સ્થળ બદ્રીનાથ સમુદ્ર સપાટીથી 3,133 મીટર (10,279 ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે. આ તીર્થયાત્રા સામાન્ય રીતે એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલુ રહે છે.