ભાવનગર-સોમનાથ હાઇવે પર ડાલામથ્થો આવી જતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં, જુઓ વીડિયો

Gujarat Lion Video: ગુજરાતના અમરેલી જિલ્લાનો એક ચોંકાવનારો નજારો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વીડિયો ગુજરાતના ભાવનગર-સોમનાથ હાઇવેનો (Gujarat Lion Video) હોવાનું કહેવાય છે, જ્યાં સિંહના પ્રવેશ પછી કાર, મોટરસાઇકલ અને અન્ય વાહનો થોડા સમય માટે રોકાઈ ગયા હતા. હા, લગભગ 15 મિનિટ માટે બધો ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો! આ દરમિયાન, એક કાર ચાલકે આ દુર્લભ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી, જેનો વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

સિંહને જોવા માટે વાહન ચાલકો થોભી ગયા
વન્યપ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી ખુલ્લા રેવન્યુ વિસ્તારમાં વસી રહ્યા છે. સાવજો શિકાર માટે ગમે ત્યારે કોઈપણ ગામમાં ઘૂસી જાય છે અને માલિકીના કે રેઢીયાર પશુઓના મારણ કરે છે. આ સાવજો પોતાની ટેરીટરીમાં ચક્કર લગાવતા હોય ત્યારે અવારનવાર હાઇવે કે નેશનલ હાઈવેને પણ ક્રોસ કરે છે.

આવા સમયે વાહન ચાલકોને રસ્તા પર થંભી જવું પડે છે. ગઈ કાલે વહેલી સવારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક આવેલ બ્રિજ ઉપર ડાલામથ્થો સિંહ હાઇવે ઉપર ચડી લટાર મારતા બંને સાઈડમાં વાહનો થંભી ગયા હતા. સિંહને જોવા માટે વાહન ચાલકો ઉભા રહ્યા હતા.

લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો
આ ઘટનાક્રમ 15 મિનિટ કરતા વધુ સમય સુધી અહી જોવા મળ્યો હતો. વહેલી સવારે પસાર થતા વાહન ચાલકોને સિંહ દર્શનનો લાભ મળ્યો ઉપરાંત અકસ્માતનો ખતરો પણ અહીં ટળ્યો હતો.જોકે અહીં સિંહ આરામથી ફરી રહ્યો હતો. નજીક વાહન ચાલકો ઉભા હતા પણ કોઈ હુમલાનો પ્રયાસ પણ કર્યો ન હતો. જેના કારણે વાહન ચાલકોએ ઉત્સાહ પૂર્વક સિંહ દર્શન કરી પોતાના મોબાઈલ ઉપર વીડિયો ઉતાર્યા હતા.

નેશનલ હાઇવે સિંહો માટે જોખમી બન્યો
રાજુલા અને જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વાંરવાર સિંહો આવી ચડે છે.સાવજો રોડ ક્રોસ કરવાની ઘટનાઓ વારંવાર બનતી હોવાને કારણે દેશની શાન ગણાતા સાવજો ઉપર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે.