જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં નવા જૂનીના ખેલ વધી રહ્યા છે. 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી છે. કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે. જેઓ 11 વખત ચૂંટણી લડ્યા હતા જેમાંથી તેઓ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા વર્ષ 1972થી વિધાનસભાની ચૂંટણીથી 1998ની વિધાનસભા ચૂંટણી સુધી સળંગ સાત ટર્મ સુધી જેતપુર પાવી બેઠકના ધારાસભ્ય રહી ચુક્યા છે. જોકે 2002માં ગોધરાકાંડના વાવાઝોડામાં તેમને ભાજપના વેચતભાઈ બારિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ 2007માં તેઓ ફરી જેતપુર પાવીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. છેલ્લી બે ટર્મ એટલે કે 2012 અને 2017ની ચૂંટણી તેઓ છોટાઉદેપુર બેઠકથી લડ્યા હતા અને આ બન્ને ટર્મમાં તેમનો વિજય થયો હતો.
આમ આદિવાસી સમાજના કદાવર નેતા ગણાતા મોહનસિંહ રાઠવાને ભાજપ આજે તોડીને લાવ્યા છે. કહેવાય છે કે દીકરા રાજેન્દ્રસિંહ માટે પિતાએ પક્ષપલટો કર્યો છે. ભાજપ પાવી જેતપુર બેઠક પર રાજેન્દ્રસિંહને ટિકિટ આપે તેવી ચર્ચા છે. આમ પિતાએ દીકરાની ટિકિટ માટે 50 વર્ષે પક્ષપલટો કરી કેસરિયો ધારણ કર્યો છે. 2017 ની ચૂંટણી વખતથી સતત કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાનો સિલસિલો યથાવત રહ્યો છે 2022 ની ચૂંટણી પહેલા પણ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે ત્યારે આ યાદી હજી લાંબી થવાની સંભાવના છે.
ત્યારે વધુ એક કોંગ્રેસી નેતાના કેસરિયો ધારણ કરવાની તૈયારીઓ થઇ રહી છે તેવી માહિતી મળી છે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ગીરસોમનાથના તાલાળા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ પણ કોંગ્રેસથી નારાજ છે. અને હાલમાં સમર્થકો સાથે યોજી બેઠક યોજી છે, અને થોડી વારમાં કૉંગ્રેસ છોડે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોહનસિંહ રાઠવા બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.