શા માટે થઇ રહ્યો છે રામકથા કરતા મોરારીદાસનો વિરોધ? કોણ છે પ્રોપોગેન્ડા ફેલાવનાર ટોળકી?

Devangi Bhatt: લાંબા સમયથી એક વહેણ નોંધ્યું છે અને એ વિચિત્ર છે. પણ એના વિષે કંઈપણ કહું એ પહેલાં જરા એ વહેણ અંગેની માહિતી આપું. છેલ્લા કેટલાક વર્ષ દરમ્યાન (Devangi Bhatt) ગુજરાતી સાહિત્યના વિવિધ ઉપક્રમની આ માહિતી છે. (આમાં બહુ જુના ઉપક્રમનો સમાવેશ નથી કર્યો)

– મોરારીબાપુના હસ્તે સ્વ.રમેશ પારેખ અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે મનુભાઈ પંચોળી સાહિત્ય સમ્માન
– મોરારીબાપુના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે કવિ શ્રી રાવજી પટેલ સાહિત્ય પ્રતિભા અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે કવિ શ્રી હરીન્દ્ર દવે પારિતોષિક
– મોરારીબાપુના હસ્ત્તે કાનજી ભૂરા બારોટ અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે નચિકેત અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે ફૂલછાબ અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે દુલા ભાયા કાગ અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે ઝવેરચંદ મેઘાણી અવોર્ડ
– મોરારીબાપુના હસ્તે શ્રી હેમુ ગઢવી એવોર્ડ
– મોરારીબાપુના હસ્તે શ્રી ઉમાશંકર જોષી વિશ્વગુર્જરી સમ્માન
– મોરારીબાપુના હસ્તે અવિનાશ વ્યાસ એવોર્ડ
– મોરારીબાપુના હસ્તે હનુમંત એવોર્ડ
– મોરારીબાપુના હસ્તે શ્રી નાનાભાઈ હ. જેબલિયા પુરસ્કાર
– મોરારીબાપુના હસ્તે ગોવર્ધનરામ ત્રિપાઠી અવોર્ડ

હવે બીજું પાસું
– મોરારીબાપુની નિશ્રામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર
– મોરારીબાપુના હસ્તે રેખ્તા ગુજરાતીનું ઉદ્ઘાટન
– મોરારીબાપુના હસ્તે શિશુવિહાર નાગરિક સમ્માન
– મોરારીબાપુની નિશ્રામાં નાટ્યમંચન, પુસ્તક વિમોચન, કાવ્યપઠન
– મોરારીબાપુની નિશ્રામાં કાગોત્સવ
– મોરારીબાપુના હસ્તે સંસ્કૃતિસત્રનું ઉદ્ઘાટન
– મોરારીબાપુના વરદ હસ્તે સાહિત્ય અકાદમીના ભવનનું ઉદ્ઘાટન

હવે ત્રીજું પાસું
– મોરારીબાપુના હસ્તે શાલ સ્વીકારતું DP
– બાપુની ઘેર પધરામણી વખતે પગમાં આસન પાથરતા વિડીઓ
– બાપુને મારી પંક્તિ બહુ ગમેલી
– બાપુએ મારા પઠન પર હાથ ઉચકેલો
– બાપુ માટે લખાતા અઢળક કાવ્યો
– મોરારીબાપુની આંખો મહાકુંભ છે
– બાપુ એટલે ઘેરબેઠા ગંગાસ્નાન
– બાપુ ગરબા કરે એટલે શંકરમહારાજ જાણે તાંડવ નાચે…

અહીં મુદ્દો મોરારીબાપુનો નથી. મુદ્દો આખેઆખા ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ વિષે ઉભા થતા ભ્રામક ખ્યાલનો છે. છેલ્લા ચાર કે પાંચ દાયકાના ગુજરાતી સાહિત્યને કયો યુગ કહેવો મારે? અને આ પ્રશ્નનો જે જવાબ મળે છે એ ઇનઅપ્રોપ્રીએટ નથી ભાસતો? ફ્રેંચ, બંગાળી, મરાઠી કે અંગ્રેજી સાહિત્ય સામે કોઈ ગુજરાતી કૃતિની મહત્તા એમ કહીને તો સ્થાપિત નહીં થઇ શકે કે બાપુના હાથે વિમોચન થયેલું. અહીં હું બાપુની સહ્રદયતા કે શુભકાર્ય પર પ્રશ્ન નથી ઉઠાવી રહી, પ્રશ્ન છે ક્ષેત્રભેદની રેખા ભૂંસાયાનો. બાપુ અદ્ભુત કથાકાર છે, સાહિત્ય-કલાના ભાવક હોઈ શકે… પણ તો? એનાથી ગુજરાતી ભાષાના સમગ્ર લેખનના તમામ ઉપક્રમમાં એમને મધ્યબિંદુ કઈરીતે બનાવી શકાય?

મને ખબર છે કે આમાં શું મુદ્દા ઉભા થઇ શકે. એ આવરી લેવાનો પ્રયત્ન કરીશ.
– સૌથી પહેલા તો બાપુનો બચાવ કરવા ઉત્સુક જનોને મારે કહેવું છે કે આ પોસ્ટ બાપુ વિષે નથી, એમના ઉત્સાહી ફોલોઅર્સ વિષે છે. સાતત્યપૂર્ણ પબ્લિક ડિસ્પ્લે ઓફ વર્શીપ અને અતિ વિષે છે. ગેરસમજ કરીને આ લખાણને બાપુ તરફ ન દોરી જશો. વિશ્વના ઇતિહાસમાં જેટલું નુકસાન અનુગામીઓએ આરાધ્યનું કર્યું છે એટલું અન્યએ કર્યું નથી.

– એક પ્રશ્ન એ થતો હોય છે કે બાપુ સાહિત્ય અને કલાના પ્રોત્સાહન માટે આયોજન કરે છે, આર્થિક ટેકો કરે છે… તો એમના હાથે આ બધું થાય એમાં ખોટું શું? એક દ્રષ્ટાંત આપું. રિલાયન્સ દ્વારા કચ્છના ભૂકંપ વખતે અઢળક કામ થયું છે. ત્યાંના ઘરો અને સાંસ્કૃતિક ધરોહર ટકી રહે એ માટે કરોડોની સહાય થઇ છે. તો કચ્છી સાહિત્યના તમામ સમ્માન મુકેશ અંબાણીના હસ્તે આપી શકાય? IS THIS A RESPECTFUL TRADITION FOR A LANGUAGE?

– કેટલાક લોકો બાપુને ગુરુપદે માને છે અને પોતાના સમગ્ર સર્જનમાં બાપુના આશિષ, એમની ઉપસ્થિતિ અનિવાર્ય માને છે. આ સમજી શકાય છે… પણ લેખનમાં સેન્સ ઓફ પ્રપોર્શન વ્હાઈલ યુઝીંગ એડ્જેકટીવ્ઝ જરૂરી છે. મને મારા પિતા માટે અફાટ પ્રેમ હોઈ શકે, પણ એ સાક્ષાત ભોળાનાથ છે, એમણે કામળીમાં દસે દિશા ઓઢી છે, એમની પર આંખોથી અભિષેક કરું છું… આ બધું UNRESONABLE FLATTERY લાગી શકે. કોઈ યુવાન વિદ્યાર્થી જ્યારે વ્યથા પ્રગટ કરે કે “બાપુની કથા છે અને મારે તો પરીક્ષામાં જવું પડે છે..” ત્યારે એનું ઔચિત્ય ક્વેશ્ચનેબલ છે. એ સમયે એ ભક્તિભાવનો પ્રચાર કરીને ગર્વ ન લઇ શકાય.

– એક લાંબા સમય સુધી હું એમ માનતી કે આ બધુ જે ચાલી રહ્યું છે એનો મોરારીબાપુને ખ્યાલ ન પણ હોય. આ ગુણગાનના અતિરેકમાં કદાચ એમની મરજી ન પણ હોય… પણ પછી મેં એમને વ્યાસપીઠ પરથી કહેતા સાંભળ્યા “ A મારા ગુણોના ગણપતિ છે, B વિચારોના દેવતા છે” MY RESPECT DIMINISHED A LITTLE.

– એક વિદ્વાન સાથે વાતચીત દરમ્યાન એમણે કહેલું “બાપુ અનેક લોકહિતના કાર્ય કરે છે, એટલે એ શુભ તરફ જોવું”, સાચું છે… પણ સ્વયં બાપુ ઘણીવાર શુભને અતિક્રમીને બદીઓ વિષે વાત નથી કરતા? અને એ જરૂરી પણ છે. તો મારે પણ કહેવું છે કે આખેઆખા ગુજરાતી સાહિત્યના સર્વેસર્વા મોરારીબાપુ હોય એવો માહોલ ઉભો થતો હોય તો એ બદી છે. મારી ભાષાનું લેખન એના લહિયાની તાકાત પર જીવવું જોઈએ, આર્થિક ધાર્મિક પ્રોત્સાહ્કો પર નહીં.

– અહીં વિરોધ વ્યક્તિનો નથી, વિચારનો છે. મોરારીબાપુ વડીલ છે, સત્કાર્ય કરે છે એનો આદર હોઈ શકે, પણ ભાષાની ઉજ્જવળ પરંપરા વિષે વાત કરીએ ત્યારે સતત બાપુનું જ નામ પડઘાતું રહેતું હોય તો એનો સાડી સત્તરવાર વાંધો છે. બની શકે કે આ વાંચ્યા પછી દર વખતે બને છે એમ બાપુના ભાવકો બમણા જોરથી એમના વિષે લખે… પણ તો શું? અણસમજુ કોઈ નથી. દરેક સર્જક આ દુવિધા કોઈક ને કોઈક રૂપે સમજે છે.

– મોરારીબાપુ સમાજના અનેક અંધકાર વિષે વાત કરતા હોય છે, પણ ફોલોઅર્સ, ફ્લાવર્સ અને ફાર્મમાં છવાઈ રહેલું વ્યક્તિપૂજાનું અંધારું એમના સુધી પહોંચતું હશે ?