ગુજરાતમાં ઠંડી ગાયબ થતા યલો એલર્ટ જાહેર, સોમવારે આ શહેરમાં નોંધાઈ સૌથી વધારે ગરમી

Gujarat Yellow alert: હજુ ફેબ્રુઆરી મહિનો પૂરો નથી થયો ત્યાં જ રાજ્યમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ (Gujarat Yellow alert) ગુજરાતના દરિયા કિનારે આવેલા વિસ્તારમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની સંભાવનાને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. સોમવારે રાજકોટમાં સૌથી વધુ 36.7, સુરતમાં 36.4, જ્યારે અમદાવાદમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 35.65, ભૂજમાં 35.5, અમરેલીમાં 34.6, વડોદરા-ભાવનગર અને ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો માર્ચની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

એલર્ટ વિશે હવામાન વિભાગે જણાવ્યું કે, ગરમ અને ભેજવાળા હવામાનના અનુભવને લીધે કાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.યલો એલર્ટ પાછળનું કારણ આપતાં તેમણે જણાવ્યું કે, તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. કાંઠા વિસ્તારોમાં ભેજ આવી રહ્યું છે. જેના કારણે અકળામણનો અનુભવ થશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વની દિશામાંથી પવન આવી રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્યથી ઉપર ગયું છે. કાંઠા વિસ્તારોમાં ભેજ તો રહે જ છે.