ગુજરાતમાં અકસ્માતની વણઝાર: એકસાથે 7 વાહનો અથડાતાં 1નું મોત, 5 કિમી લાંબો ટ્રાફિક જામ

Kutch Accident: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના સામખિયાળી માળીયા નેશનલ (Kutch Accident) હાઇવે પર એકસાથે સાત વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાહનોને દૂર કરી હાઇવે પરથી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર ટ્રક, ટેમ્પો અને બસ સહિતના સાત વાહનો વચ્ચે પરસ્પર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર આવેલા કટારિયા બ્રિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી લાંબી લાઇનો લાગી હતી. જોકે અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાકડિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સામખિયાળી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં એક એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની છે.પોલીસ અને સ્થાનિક લોકોએ ટ્રાફિકજામે દૂર કરી ફરીથી રસ્તો ખુલ્લો કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.