વિડીયો | નડિયાદ અકસ્માતમાં દીકરીની વધામણી દેવા દુબઈથી આવેલી મહિલા, MBBSના વિદ્યાર્થી સહિત 10 લોકો બન્યાં કાળનો કોળ્યો

Nadiyad Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર જીવલેણ અકસ્માતની ઘટના બની છે. નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 જેટલા લોકોના મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.જેના કારણે આખા ગુજરાતમાં શોકની લહેર દોડી ગઈ છે. ત્યારે મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા(Nadiyad Accident) ગામે રહેતા અને છેલ્લાં 20થી 25 વર્ષથી વાપી ખાતે સ્થાયી થયેલા એક જ પરિવારના ત્રણ લોકો- માતા-પિતા અને પુત્રનાં મોત નીપજતાં પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. જ્યારે માતા-પિતા બંને દીકરીને નિરાધાર મૂકી ચાલ્યાં જતાં દીકરીઓ ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી.

સામાજિક પ્રસંગ પતાવી અમદાવાદ જવા નીકળ્યાં હતાં
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા લોકોનાં કમકમાટીભર્યાં મોત થતાં મોતની ચિચિયારી ગુંજી ઊઠી હતી. એમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યનાં મોત થયાં હતાં. પરિવાર સામાજિક પ્રસંગ પતાવીને પોતાના સંબંધીને ત્યાં હાલોલથી અમદાવાદ જવા નીકળ્યો હતો. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં માતા-પુત્ર સહિત પિતાનાં ઘટનાસ્થળે કરુણ મોત થતાં પરિવારજનોમાં મોતનો માતમ છવાયો હતો.

યોગેશ મિસ્ત્રી ઇન્ટરવ્યૂ આપવા માટે વડોદરા ગયો હતો
આ અકસ્માતમાં અમદાવાદનો યોગેશ પંચાલ નામના યુવકનું મૃત્યુ થયું હતું. એક તરફ ઘરે માતાને કંઈક અપશુકન થયા હોવાનો અંદેશો આવી રહ્યો હતો અને બીજી તરફ યોગેશે દુનિયાને અલવિદા કરી દીધી હતી.ઓઢવના કમલેશન નગરમાં રહેતા ઉમાબેનના પતિનું ચાર મહિના પહેલા જ અવસાન થયું હતું અને એ આઘાતમાંથી બહાર આવ્યા નહોતા ત્યાં હવે જુવાનજોધ દીકરો ગુમાવવો પડ્યો છે. ઉમાબેન પંચાલનો મોટો દીકરો ઓસ્ટ્રેલિયામાં રહે છે , જ્યારે નાનો દીકરો યોગેશ મિસ્ત્રી ઇન્ટરવ્યૂ આપવા માટે વડોદરા ગયો હતો અને ત્યાંથી અમદાવાદ પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વડોદરા થી અમદાવાદ તરફ આવી રહેલી એક કાર ટેન્કર પાછળ ઘુસી જતા કારમાં બેઠેલા 10 લોકોના મોત થઈ ગયા હતા. આ અકસ્માત બાદ ત્યાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ અકસ્માત સ્થળે જે કોઈ પહોંચતું તે ત્યાંની સ્થિતિ જોઇને ચીસ પાડી ઉઠતું હતું કે આટલો ગંભીર અકસ્માત? ચારે બાજુ લોહી વહેતું હતું અને એમ્બ્યુલન્સ અવાજ આવી રહ્યા હતા.

એમબીબીએસ કરતા એકના એક પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતમાં નીલ ભોજવાણીના મૃતદેહને વડોદરા લાવ્યા પછી આજે તેના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે નીલને અંતિમ વિદાય આપવા માટે ભરૂચની કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજની હોસ્ટેલના 300 જેટલા વિદ્યાર્થીઓ 3 લક્ઝરી બસમાં વડોદરા આવ્યા હતા.વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગોઝારા અકસ્માતમાં વડોદરાના હરણી વારસીયા રોડ પર આવેલા દયાલનગરમાં રહેતા નીલ ભોજવાણીનું પણ મૃત્યુ થઈ ગયું હતું. તે ભરૂચ ખાતે એમબીબીએસ કરતો હતો. એકના એક પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર આઘાતમાં ગરકાવ થઇ ગયો હતો.

20 એપ્રિલે દુબઈ જવુ હતું ને મોત આંબી ગયું
વડોદરા વારસીયા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા 57 વર્ષીય જયશ્રીબહેન મિસ્ત્રી પણ આ અકસ્માતમાં કાળનો કોળીયો બન્યા હતા. તેઓ કામ માટે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા. 11 વર્ષથી દુબઇમાં રહેતા જયશ્રીબહેન મિસ્ત્રી તા. 20 એપ્રિલે પરત દુબઇ જવાના હતા. તેઓ પુત્રવધૂની ડિલીવરી માટે આવ્યા હતા.

અલગ-અલગ કુટુંબના 10 લોકો કાળનો કોળિયો બન્યા
નડિયાદ પાસેના બિલોદરા નજીક ગઇકાલે બપોરે એક ગોઝારા અકસ્માતમાં અલગ-અલગ કુટુંબના કુલ 10 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. ઈમરજન્સી લેન પર ઉભેલા ટેન્કર પાછળ અર્ટિગા કાર ઘૂસી જતાં કારનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર કુલ 10 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. જેમાં એક 4 વર્ષનો બાળક, તેના માતા-પિતા સહિત અન્યનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અલગ અલગ કુટુંબના હતા. વડોદરા પાસેથી આ તમામ લોકો અર્ટીકા કારમાં બેસી અમદાવાદ જુદાજુદા કામકાજ અર્થે આવી રહ્યા હતા.