રાજકોટ(ગુજરાત): રાજ્યમાં એક તરફ વૃદ્ધાશ્રમો હાઉસફૂલ થતા જઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ રાજકોટ (Rajkot) ના આ વેપારીનો અનોખો માતૃપ્રેમ જોઇને તમે પણ ભાવુક થઇ જશો. રાજકોટ શહેરમાં ડેરી ફાર્મ ના માલિક એવા વસંતભાઇ લીંબાસીયાએ (Vansantbhai Limbasiya) હાલમાં જ નવું ફાર્મહાઉસ ખરીદ્યું છે. ત્યારે નવું ફાર્મહાઉસમાં સૌ પ્રથમ તેમના 109 વર્ષના માતા ચોથીબાની પધરામણી કરાવી હતી.
ચોથીબા વૃદ્ધાઅવસ્થા ને કારણે ચાલી શકતા ન હોવાથી પરિવાર દ્વારા અનોખી રીતે તેને ખાટલામાં ઉંચકીને નવા ફાર્મહાઉસમાં લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પરિવારજનોએ ખાટલામાં જ ચોથીબાને ફાર્મહાઉસનો એક એક ખૂણો બતાવ્યો હતો.રાજકોટમાં રહેતા વસંતભાઈ લીંબાસીયાના માતા ચોથીબા 109 વર્ષના છે. વસંતભાઈ અને તેનો સમગ્ર પરિવાર 109 વર્ષના માજીને ખૂબ લાડ લડાવે છે અને જીવની જેમ સાચવે છે.
વસંતભાઈએ થોડા સમય પહેલા એક ફાર્મહાઉસ ખરીદ્યું એટલે બાના પગલાં કરાવવા માટે ફાર્મહાઉસ પર લાવ્યા હતા. બા થોડા સમયથી ચાલી શકતા નથી તો કારમાં વાડીએ લાવ્યા અને પછી પરિવારની બધી વહુઓ અને દીકરીઓએ બાને ખાટલામાં બેસાડીને આખી વાડીમાં ફેરવ્યા અને વાડીનો ખૂણે ખૂણો બતાવ્યો.દીકરા વસંતભાઈએ ફાર્મહાઉસમાં સ્વિમિંગ પુલના કાંઠે ખાટલામાં બેઠા માતાના ગીતો ગાતા ગાતા લાડ લડાવ્યા હતા.
માતાને ખુશ કરવા માટે વસંતભાઈએ ગીત ગાયું હતું કે, ચોથીમા ફાર્મહાઉસ આવ્યા રે…ચોથીમા આખા કુટુંબને લઈને આવ્યા રે…ચોથીમાએ વાડી સુંદર બનાવી રે… વાડીએ તો આવો સરસ મજાનો પુલ રે… આપના આવ્યાથી રાજી થયો પરિવાર રે…ચોથીમા તો વાડી જોવા ને જો આવ્યા રે… સર્વે પરિવાર ને ભેળા બોલાવ્યા રે…સૌને માડી આપે રૂડા આશીર્વાદ રે…
દીકરા વસંતભાઇએ ગીત ગાયને લાડ લડાવતા ચોથીબા ખુશખુશાલ બન્યા હતા. તેમના ચહેરા પર ખુશીઓ સ્પષ્ટપણે છલકાઇ રહી હતી. પરિવારજનો પણ બાને ફાર્મહાઉસ લાવ્યા ત્યારે ખુશખુશાલ જોવા મળ્યા હતા. ચોથીબાએ દીકરાની લીલી વાડી જોઈ અભિભૂત થયા હતા. વસંતભાઈએ જણાવ્યું હતું કે, ચોથીબા મારા પરિવારના મોભી છે અને અમને તેમને ખૂબ જ પ્રેમથી સાચવીએ છીએ. આજે સુધી એક વાતની ખોટ પડવા દીધી નથી.
દીકરાની સફળતા જોઇ ચોથીબાના ચહેરા પર જીવનની પૂર્ણતા અને ખુશી સ્પષ્ટપણે છલકાઈ રહ્યા હતા. જે પરિવારમાં વૃદ્ધ માતા-પિતાની હાજરીને ભારરૂપ નહીં પરંતુ આશીર્વાદરૂપ માનવામાં આવતી હોય તેવા પરિવાર પર પરમાત્માની પ્રસન્નતા સુખ, શાંતિ અને સમૃદ્ધિરૂપે ઉતરતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.