વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં પતંગ ચગાવતા 13 વર્ષના બાળકનું કરૂણ મોત

Surat Makarsankranti 2025: હવે થોડા દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે. આ ઉતરાયણનો તહેવાર સામાન્ય રીતે લોકો પતંગ ચગાવવા ઉપરાંત દાન-ધર્માદો કરીને ઉજવતા (Surat Makarsankranti 2025) હોય છે. પરંતુ ઘણી વખત આ તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતી હોય છે. જ્યારે કોઈના ગળા કપાય છે, કોઈ અગાસી પરથી પડે છે, તો કોઈને કરંટ લાગે છે. અને પોતાના વહાલસોયા પરિવારજનોને ગુમાવવાનો વારો આવે છે.

આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ જીઆઇડીસીમાં એક બાળક પતંગ ચગાવી રહ્યો હતો. તે દરમિયાન તેનું કરંટ લાગતા મોત થયું હતું.

મળી રહેલી વિગતો અનુસાર સુરત સચિન જીઆઇડીસી વિસ્તારમાં કૃષ્ણ નગરમાં રહેતા 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક અગાશી પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવતી વખતે પતંગની દોરી હાઈટેન્શન લાઇનમાં અડી જતા ધડાકો થયો હતો. આ બાળક ધડાકો થવાને કારણે ગંભી રીતે દાઝી ગયો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બાળકનું મૃત્યુ થતાં આ તહેવારની ખુશીઓ શોકમાં બદલાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈ સચિન જીઆઇડીસી પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.