અહિયાં પૂરે મચાવી તબાહી; છેલ્લા 24 કલાકમાં જ ભૂસ્ખલન અને વીજળી પડતા 14ના મોત

Landslide in Nepal: નેપાળમાં વરસાદે તબાહી મચાવી છે. નેપાળના વિવિધ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. નેપાળના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRMA) અનુસાર, ભૂસ્ખલનને(Landslide in Nepal) કારણે આઠ લોકો, વીજળી પડવાને કારણે પાંચ અને પૂરને કારણે એકનું મોત નીપજ્યું છે.

વીજળી, પૂર અને ભૂસ્ખલનને કારણે લોકોના મોત

એનડીઆરએમએના પ્રવક્તા દિજન ભટ્ટરાયે જણાવ્યું હતું કે, “અમે 26 જૂન, 2024ના રોજ કુલ 44 ઘટનાઓ નોંધી હતી. તે ઘટનાઓમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 8 લોકોના મોત ભૂસ્ખલનને કારણે, 5નું વીજળી પડવાને કારણે અને 1નું મોત પૂરને કારણે થયું હતું. બે લોકો હજુ પણ ગુમ છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.”

વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન

બુધવારે લમજુંગમાં ભૂસ્ખલનમાં પાંચ, કાસ્કીમાં બે અને ઓખાલધુંગામાં એક વ્યક્તિના મોત થયા હતા, જ્યારે પૂરની ઘટનામાં એકનું મોત નોંધાયું હતું. ગૃહ મંત્રાલયના રેકોર્ડ મુજબ, નેપાળમાં ચોમાસાની આબોહવાની અસર સક્રિય થઈ ત્યારથી છેલ્લા 17 દિવસમાં (26 જૂન, 2024 સુધી) કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે ચોમાસાના કારણે 33 જિલ્લા પ્રભાવિત થયા છે, જેમાં 17 દિવસના ગાળામાં કુલ 147 ઘટનાઓ નોંધાઈ છે.