જયપુર LPG ટેન્કર બ્લાસ્ટમાં અત્યારસુધીમાં 14નાં મોત; લોકો 75% સુધી દાઝી ગયા

Jaipur Fire Accident: જયપુરમાં ભીષણ આગની ઘટનામાં મૃત્યુઆંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. 30 થી વધુ લોકો ઘાયલ (Jaipur Fire Accident) છે, જેમાંથી 28 લોકો 80 ટકાથી વધુ દાઝી ગયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

મૃતદેહોની ઓળખ ન થતા ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય
આ ભયાનક અકસ્માતમાં 6 મૃતદેહ એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ પણ થઈ શકતી નથી. સરકારે આવા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. મૃતકના ડીએનએ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

16 મહિના પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી બસની પરમિટ
20 ડિસેમ્બરના રોજ જયપુર-અજમેર હાઈવે પર સવારે લગભગ 6 વાગ્યે એલપીજી ટેન્કર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ દૂર સુધી પહોંચી અને ત્યાંથી પસાર થતા 40 જેટલા વાહનોને લપેટમાં લીધા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જે બસ બળીને રાખ થઈ ગઈ હતી તેની પરમિટ 16 મહિના પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી.

અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના
રાજસ્થાનના મુખ્ય સચિવ સુધાંશ પંતના નિર્દેશ પર અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ મુખ્ય સચિવ પાસેથી અકસ્માત અંગે રિપોર્ટ માંગ્યો છે. જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ અકસ્માતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરશે. આ કમિટી અકસ્માત માટે જવાબદાર વિભાગના અન્ય પાસાઓની પણ તપાસ કરશે. રોડ સેફ્ટી પર સુપ્રીમ કોર્ટની કમિટીએ 20 જાન્યુઆરી સુધીમાં આ મામલે તપાસ રિપોર્ટ માંગ્યો છે. જોકે, કમિટી આગામી સપ્તાહે જ રિપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સરકારની મૃતકોના પરિવાર અને ઘાયલોને વળતરની જાહેરાત
અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો અને ઘાયલોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન સરકાર મૃતકોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાય આપશે. સાથે જ કેન્દ્ર સરકારે પણ મૃતકોને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

દેશમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો પર્દાફાશ
જયપુરના અજમેર નેશનલ હાઈવે પર બનેલા આ અકસ્માતે દેશમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. આ અકસ્માતમાં ઉદયપુરથી આવી રહેલી સ્લીપર બસમાં 34 મુસાફરો હતા. જેમાંથી 20 મુસાફરો દાઝી ગયા હતા. તેમજ ડ્રાઇવર-કંડક્ટર સહિત 14 મુસાફરો લાપતા છે. ચોંકાવનારીની વાત એ છે કે બસની પરમિટ 16 મહિના પહેલા એટલે કે 25 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. એટલું જ નહીં, બસની AITP (ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ પરમિટ) પણ 8 જુલાઈ 2024ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. પરમિટની મુદત પૂરી થવાનો સીધો અર્થ એ છે કે પરિવહન વિભાગ બસને રસ્તા પર ચાલવાની મંજુરી આપતું નથી. આવી સ્થિતિમાં તેને પકડીને જપ્ત કરવાની જવાબદારી આરટીઓની છે.