સુરતની રેવ પાર્ટીમાં ત્રાટકી CID: ડ્રગ્સ પાર્ટીમાંથી વિદેશી મહિલાઓ સહિત 14 ઝડપાયા

Surat Drugs Party: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી 250 કરોડની (Surat Drugs Party) કિંમતનું 427 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો 24 કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

9 વિદેશી યુવતીઓ અને 5 યુવાનોની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા અમિતકુમાર યાદવ નામના યુવકના મકાનમાં રેડ પાડી હતી. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે.

આ રેડમાં 9 વિદેશી યુવતીઓ અને 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જમીન દલાલ, એન્જિયર સહિતના નોકરિયાત લોકો પાર્ટીમાં જોડાયા હતા. આ પાર્ટીમાં નવ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ, 20 ગ્રામથી વધુ ગાંજો અને સાત જેટલી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. આ તમામને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
સુરત સીઆઇડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. વિદેશી યુવતિઓને કોણે બોલાવી હતી વગેરેને પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાશે.

મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું
હાલ તો આ તમામ 14 આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો પ્રાથમિક રીતે આ તમામ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. જોકે, આગળ કાર્યવાહીમાં જે સામે આવશે તે પ્રમાણે વધુ કાર્યવાહી થશે.