દેવભૂમિ દ્વારકા પાસેના દરિયાકાંઠેથી ચરસનાં 30 પેકેટ મળી આવ્યા, બજાર કિંમત 16 કરોડથી વધુ

Charas News Dwarka: ગુજરાતના કાંઠા વિસ્તારમાંથી સમયાંતરે ડ્રગ્સ ઝડપાતો હોય છે. ગુજરાત પોલીસનું આકરી કાર્યવાહી બાદ પણ ડ્રગ્સ માફિયાઓ બિન્દાસ્તપણે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાંથી બિનવારસી ડ્રગ્સના પેકેટ(Charas News Dwarka) મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે નશાકારક પ્રદાર્થને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની તારીફ કરી હતી. ગત મોડી રાત્રે  દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.

ત્યારે આ નશાકારક પ્રદાર્થ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈન્ચાર્જ એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ રાત્રીના સમયે જ દ્વારકા નજીક મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચી ગઈ હતી. પોલીસે  કેટલાક શંકાસ્પદ મનાતા ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા હતા. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે “ડ્રગ્સ પકડીને યુવાનોની જિંદગી બચાવવા ગુજરાત પોલીસ કટીબદ્ધ છે ! ગુજરાત પોલીસ દ્વારા દ્વારકાના વરવાળા ગામના દરિયાકિનારેથી બાતમીના આધારે ૧૬ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ૩૦ પેકેટમાં ૩૨ કિલો ચરસ સાથે ડ્રગ્સ માફિયાઓને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંકળાયેલા વધુ ડ્રગ્સ માફીયાઓને પકડવાની તજવીજ ચાલુ છે. નશામુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સરાહનીય છે.”

મળતી માહિતી અનુસાર 30 જેટલા આ પેકેટમાં રહેલો આ પદાર્થ ચરસ જેવું નશાકારક પદાર્થ હોવાનું કહેવાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 16.65 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ નશાકારક પદાર્થ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તેમજ બિનવારસી મળી આવેલા કરોડો રૂપિયાની કિંમતના આ ડ્રગ્સ સંદર્ભે રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સઘન કાર્યવાહી કરી અને આ ડ્રગ્સની ગુણવત્તા, કિંમત, સર્ચ ઓપરેશન સહિતની બાબતે કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દ્વારકા વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું.