National Doctor’s Day: ડોકટરોના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા, સમર્પણને માન-સન્માન આપવા માટે સમગ્ર દેશમાં દર વર્ષે તા.1લી જુલાઇના રોજ ‘રાષ્ટ્રીય ડોકટર દિવસ’(National Doctor’s Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યની આરોગ્યલક્ષી સેવાઓમાં થયેલો સુધારો જનસામાન્ય માટે ઉપકારક બની રહ્યો છે, ત્યારે સુરતમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં(National Doctor’s Day) વિવિધ વિભાગના 758 થી વધુ રેસિડેન્ટ તબીબો અને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 258 તબીબો સેવારત બની સુરત શહેર અને જિલ્લાના નાગરિકોને આરોગ્ય સાચવી રહ્યા છે. પોતાના તબીબી કૌશલ્યથી સ્વાસ્થ્ય સેવાને વધુ સારી બનાવી રહ્યા છે.
મજૂરાગેટ સ્થિત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ વિભાગના 525 થી વધુ રેસિડેન્ટ તબીબો અને સરકારી મેડિકલ કોલેજમા તબીબી શિક્ષકો મળીને કુલ 230થી પણ વધુ આરોગ્યસેનાનીઓ ફરજ બજાવી રહ્યા છે. જ્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વિવિધ વિભાગના 217 તબીબ સહિત 35 જુનિયર મેડિકલ ઓફિસર, 4 જુનિયર આરએમઓ, 1સિનિયર આરએમઓ,1 મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને 1 ડેન્ટલ સર્જન મળી કુલ 258 તબીબો સુરતવાસીઓને સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં નાની-મોટી મળીને 1000 થી વધુ હોસ્પિટલ-ક્લિનિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કારણે આરોગ્યસેવાઓ અને સારવાર ખુબ જ સારી બની છે. કુલ 15 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે.
માતા પિતા, ભગવાન પછી ડોકટરને ‘ધરતી ૫રના ઈશ્વરીય દૂત’ની ઉપમા આપવામાં આવી છે. કારણ કે ડોક્ટર દર્દીને યમદૂત પાસેથી છોડાવવાની પણ ક્ષમતા ધરાવે છે. દર્દીને નવો જન્મ આપવા સાથે તેના જીવનમાં નવી આશા, ઉર્જા અને જિજીવિષા જગાવે છે. ડોક્ટર માત્ર માણસના જન્મમાં જ મદદ કરે છે એવુ નથી ૫રંતુ તે દર્દીને મૃત્યુના મુખમાંથી પણ બચાવે છે.
સુરતમાં છેલ્લા 41 વર્ષથી તબીબી આલમમાં પ્રસિદ્ધ એવા વરિષ્ઠ બાળરોગ નિષ્ણાંત ડો.નિર્મલ ચોરારિયાએ સુરતને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ નજીકથી નિહાળ્યું છે. તબીબી ક્ષેત્રના 41 વર્ષના અનુભવને વર્ણવતા ડો.નિર્મલ ચોરારિયાએ જણાવ્યું હતું કે, સુરત જ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ એમ બને રહી છે. વર્ષ 1981 માં સરકારી મેડિકલ કોલેજ-સુરતથી એમ.ડી. પિડીયાટ્રીક પાસ કર્યું અને 1982થી આજ દિન સુધી બાળરોગ નિષ્ણાંત તરીકે કાર્યરત છું.
ડૉ.નિર્મલભાઈએ કહ્યું કે, સુરતે અગાઉ આરોગ્યક્ષેત્રે ઘણી ચડતી-પડતી જોઈ છે. સુરત શહેરમાં 1990ના દાયકામાં ગંદકીના કારણે મલેરિયા કેસ વધુ નોંધાતા હતા. બાળકોમાં માંદગીના કેસો વધતા જતા હતા. જેના લીધે બાળમૃત્યુ દર- IMR (infant mortality rate) ખૂબ જ ઉંચો હતો. તે સમયે 1000 બાળકો જન્મે તેની સરખામણીએ 120 થી 140 શિશુઓનું મુત્યુ થઈ જતું હતું. એ આજે ઘટીને માત્ર 22 પર આવી ગયો છે. સરકારના આરોગ્યલક્ષી પગલાઓ અને લોકજાગૃત્તિથી બાળમૃત્યુ દરનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે. કોઈ પણ કુદરતી આફતના સમયે સુરતના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ મક્કમતાપૂર્વક લડ્યા તેના આજે સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે.
બહેતર આરોગ્ય સેવાઓથી દેશનું અર્થતંત્ર પણ સુધર્યું છે. અર્થતંત્રને વેગ આપવામાં આરોગ્યક્ષેત્ર અને તબીબોની પણ મહત્વની ભૂમિકા છે. અગાઉ સામાન્ય લોકોને માંદગી ગરીબી રેખા નીચે લઈ જતી હતી, જ્યારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ આરોગ્ય યોજનાઓથી સામાન્ય પરિવારના સભ્યોની બિમારીમાં વપરાતા નાણાની બચત થઈ રહી છે, જેનો અન્ય જરૂરિયાતોમાં ઉપયોગ થવાથી અર્થતંત્રની પ્રવાહિતા વધે છે. સુરત શહેરમાં કોમી રમખાણ, પ્લેગ, પુર, ભુંકપ અને કોરોના જેવી કુદરતી આફતોના સમયમાં ‘માનવતાથી મોટી કોઈ દવા નથી હોતી’ એમ માનનારા તબીબોએ ખૂબ ઉમદા સેવા આપી છે એમ ડો.ચોરારિયાએ કહ્યું હતું.
આજથી ૩૫ વર્ષ પહેલા સુરતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સૌ પ્રથમ એમ્બ્યુલન્સની સેવા શરૂ થઈ હતી. જેમાં 150 કિમી દૂરથી ડોક્ટર, નર્સિગ સ્ટાફ નવજાત શિશુને સારવાર માટે લઈ આવતા હતા. નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો કરવા ગુજરાતનું પ્રથમ હાઇફ્રિકન્સી વેન્ટિલેટર મશીન (HFOV) સુરતની નિર્મલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. આ સાથે નવજાત શિશુની સારવાર માટે નાઇટ્રીક ઓક્સાઈડ મશીન એટલે કે ગેસની સારવાર જેમાં ફેફસા નબળા હોય અને ફેફસામાં દબાણ વધુ હોય તેવા બાળકોની સારવાર માટે ગુજરાતનું પ્રથમ મશીન પણ સુરતમાં આવતા બાળરોગમાં મૃત્યુ દર ઘટાડવામાં મોટી સફળતા મળી છે એમ ડો.ચોરારિયાએ જણાવ્યું હતું.
જટિલ બિમારીની પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખ્ખોમાં થતી સારવાર ભારત સરકારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ લાભાર્થી દર્દીઓ આજે સુપર સ્પેશ્યાલિટી પ્રાઇવેટ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા મેળવી રહ્યા છે. જેમાં મગજ અને જ્ઞાનતંતુના રોગ, કેન્સર, કેન્સરની સર્જરી, નેફ્રોલોજી, કિડની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, પ્લાસ્ટિક સર્જરી, આંતરડાની બિમારી સારવાર અને ઓપરેશન, કિમો થેરાપીના હજારો દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે જે સરાહનીય છે, અને ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક સધિયારો આપે છે એમ પણ ડો. ચોરારિયા જણાવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube