જામનગર પાસે નવી કાર લેવા બાઇક લઇને ​​​​​​​નીકળેલા સાળા-બનેવીને ઇકોએ ટક્કર મારતાં બંનેના મોત

Jamnagar Accident: જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે સાળો-બનેવી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી (Jamnagar Accident) પાસે ગોજારો અકસ્માત સર્જાતાં બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

નવી કાર નીકળેલા સાળા બનેવીનું મોત
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉંમર વર્ષ 41) કે જેઓને નવી કાર લેવાની હોવાથી પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં પોતાના જ બનેવી રાજેશભાઈ રતિલાલભાઈ ગંગાજળિયા (45) ને પાછળ બેસાડ્યા હતા.

જેઓ બંને સોમવારે બપોરે 4.15 વાગ્યે કાલાવડ જામનગર રોડ પર ઠેબા ચોકડી પાસે પહોંચ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલી જી.જે-10 ડી.જે.7235 નંબરની ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સાળો-બનેવી બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા હતા, અને તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ બંનેના મૃત્યુ નીપજ્યા હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
મૃતક લક્ષ્મીકાંતભાઈના કાકા દિનેશભાઈ સોંડાગરે અકસ્માત નીપજાવી નાશી ગયેલ ઇકો ચાલક સામે પંચકોશી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશભાઈના ભત્રીજા એવા લક્ષ્મીકાંતભાઈને કાર લેવી હોય તેઓના બનેવી મૃતક રાજેશભાઈ સાથે નવી કાર લખાવવા જામનગર આવતા હતા.

ગઈકાલે જ કાલાવડ ખાતે મળેલ મૃતક ભત્રીજા લક્ષ્મીકાંતભાઈએ દિનેશભાઈને કાર લખાવવા જામનગર જવાની વાત કરી હતી.જો કે ઘરમાં નવી કાર આવે તે પહેલા આ બનાવ સર્જાતા પરિવારમાં ભારે ગમગની છવાઈ છે.