પાટણ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં શંખેશ્વરમાં ગઈકાલે એક પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઈકો કાર નદીના પુલની રેલિંગ સાથે ખુબ જ ઝડપે અથડાઈ હતી જેમાં ઇકો કારને ભારે નુકસાન થયું હતું. આ ટક્કર એટલી ગંભીર હતી કે, બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા.
જાણવા મળ્યું છે કે, શંખેશ્વરમાં રૂપેણ નદી પરના પુલ પર અચાનક ઇકો કારના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર પુલના રેલીંગ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રાત્રે સરકારી હૉસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઈકો કારમાં 10 લોકો સવાર હતા. તેઓ સૌરાષ્ટ્રથી પરત આવતા હતા અને ભાભર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ કારની હાલત જોતા લાગી રહ્યું છે કે, કારની સ્પીડ ખુબ જ વધુ હશે. જો રેલીંગ ન હોત તો કાર નદીમાં પડી શકે તેમ હતી અને એવું થયું હોત તો મૃત્યુઆંક પણ વધ્યો હોત એ નક્કી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જગ્યાએ અવારનવાર અકસ્માત થતા રહે છે કેમ કે પુલ ખુબ જ સાંકડો છે.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ભાભરનો માળી પરિવાર સૌરાષ્ટ્ર દર્શને ગયો હતો અને પરિવારના 10 જેટલા સભ્યો તેમાં હતા. મોડી રાત્રે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અક્સમાત થયો હતો. જાણવા મળ્યું છે કે, મૃતકોમાં અરજણભાઈ માળી અને ધુળીબેન માળીનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.