રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 ના મોત; 17 વર્ષીય સગીર હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યો- જાણો સમગ્ર મામલો

Heart Attack News: રાજ્યમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે. 17 વર્ષીય હર્ષિલ ગોરી અને 40 વર્ષીય મુકેશ ફોરિયાતરનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી બન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ(Heart Attack News) અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. એકના એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતા ગોરી પરિવારમાં કલ્પાંત છવાયો છે.

ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેકમાં મોત
શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા અને ધોરણ 11માં અભ્યાસ કરતા હર્ષિલ ગોરી નામનો યુવાન ગઈકાલે રાત્રિના 10 વાગ્યે નવાગામ ખાતે પોતાના કાકાના ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે ગયો હતો અને ઓફિસ બહાર ઓટા ઉપર ઉભા ઉભા પાણી પીતો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવાને દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અને પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

હર્ષિલ ગોરી પરિવારનો એકનો એક પુત્ર હતો
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યા મુજબ હર્ષિલ ગોરી પરિવારનો એકનો એક પુત્ર હતો તેણે વેક્સીન પણ લીધી નહોતી. એકાએક ઢળી પડતા હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ મોત નિપજતા મોતનું સાચું કારણ જાણવા હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તારણ હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

40 વર્ષના મુકેશનું હાર્ટ ફેલ થતા મોત
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટના હનુમાનમઢી વિસ્તારમાં આવેલ શિવપરામાં રહેતા મુકેશ ફોરિયાતર (ઉં.વ.40) એકાએક ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર કારગત નિવડે તે પહેલા દમ તોડી દેતા મોત નિપજ્યું હતું.

બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મુકેશનું પણ હાર્ટ-એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.