કેનાલમાં અથવા તો પાણીમાં ડૂબી જવાથી અવારનવાર કેટલાક લોકોના મોત થયાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. ઠાસરાની સચિદાનંદ સ્કુલ નજીક આવેલ શેઢી શાખાની કેનાલમાં 2 યુવકોનાં ડૂબી જવાથી મોત થયાં છે.
ગતરોજ કપડવંજના વડોલનો 24 વર્ષનાં અજય કનુભાઈ વાઘેલા પોતાનો જન્મદિન હોવાને લીધે મિત્રો સાથે ફરવા નીકળ્યો ત્યારે તેની સાથે બાલાસિનોરમાં આવેલ ઓથવાડમાં રહેતો 23 વર્ષનાં સુનીલભાઈ રામસિંહ ઝાલા તથા અન્ય 3 મિત્રો હતા. આ 5 મિત્રો સાંજે 6:45 વાગ્યાના સુમારે ઠાસરાની સચિદાનંદ સ્કુલ નજીકની શેઢી શાખાની કેનાલના બ્રીજ પર પહોંચી ગયા હતા.
આ સમયે અજય હાથ-પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો હતો કે, જ્યાં તેનો પગ લપસતાં તે ડૂબવા લાગ્યો હતો. જેને જોઈ સુનીલ સહિત તેના અન્ય મિત્રો પણ બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યાં હતા. પાણીના અંદરની ઊંડાણનો તેઓને અંદાજ ન હોવાને લીધે અજય-સુનીલ બંને ડૂબી ગયા હતા.
આ બન્નેને બચાવવા પડેલ મિત્રોના પ્રયત્ન નિષ્ફળ બન્યા હતા. આજે 1 વાગ્યાનાં સુમારે સુનીલનો તથા સાંજના સમયે અજયનો મૃતદેહ શોધવામાં પોલીસે સફળતા મેળવી છે તથા બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા છે.
ઘટનાસ્થળ પરથી 2 કિમી દૂરથી મૃતદેહ મળ્યા:
અજય-સુનિલ એમ બંને શેઢી શાખાના બ્રીજ નીચે ડૂબ્યાં હતા જયારે મિત્રોના પ્રયત્નો કરવા છતાં તેઓ તણાયા હતા. જે સ્થળે ડૂબ્યાં હતા ત્યાંથી 2 કિમી દૂર યુવકોના મૃતદેહ જોતાં પોલીસને જાણ કરતા પોલીસે તે સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢીને આગળની તપાસ હાથ ધરી હતી.
24મો જન્મદિવસ અજય માટે કાળમુખો બન્યો:
સમગ્ર ઘટનામાં અજયનો જન્મદિન હોવાને લીધે મિત્રો સાથે ફરવા ગયો હતો. તેને જાણ ન હતી કે, 24મો જન્મદિન કાળમુખો બની જશે. અજય-સુનિલ બંને યુવાનીમાં જ જીવ ગુમાવતા બંનેના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
બંને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા:
અજય કપડવંજ અને સુનીલ તથા અન્ય મિત્રો બાલાસિનોરના હતા. મરણ પામનાર બંને યુવકો ફાઇનાન્સ કંપનીમાં એકસાથે નોકરી કરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.