People trapped Sudan reached Ahmedabad: ઓપરેશન કાવેરી(Operation Cauvery) અંતર્ગત સુદાનથી અમદાવાદ એરપોર્ટ આવેલા ૨૩૧ જેટલા ભારતીયોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Minister of State for Home Harsh Sanghvi)એ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ(Ahmedabad International Airport) પર આવકાર્યા હતા. કુલ ૨૩૧ માંથી ૨૦૮ જેટલા ગુજરાતીઓ સુદાનથી પરત આવ્યા હતા.
સુદાન(Sudan )થી પરત ફરેલા લોકોને આવકારતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા દરેક ભારતીયને પોતાના પરિવાર સાથે ભારત પરત લાવવા માટે સેના સાથે મળીને કપરી પરિસ્થિતિમાં એક પછી એક વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યાં છે. વોર ઝોનમાં લેન્ડિંગ કરવું ક્યારેય સરળ હોતું નથી, પરંતુ આપણી સેનાના જાંબાઝ જવાનો આ મિશનને ખૂબ જ હિંમતપૂર્વક પાર પાડી રહ્યા છે, જે આપણા માટે ગૌરવની વાત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઓપરેશન કાવેરી વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા રાતોરાત કામગીરી કરીને ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે સુદાન હોય, આપણી સેના અને સરકારે હંમેશાં સફળતાપૂર્વક પોતાના લોકોને બચાવીને તેમના સ્વજનો સુધી પહોંચાડ્યા છે. આજે 231 જેટલા ભારતીય મૂળના સુદાનવાસીઓ હેમખેમ અને સંપૂર્ણ સુરક્ષિત રીતે અમદાવાદ ખાતે લેન્ડ થયા છે. જેમાં 208 ગુજરાતી, 13 પંજાબના અને 10 રાજસ્થાનના લોકો છે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની વાત કરતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને આવનારા તમામ લોકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. અમદાવાદથી 5 વોલ્વો બસ રાજકોટના લોકો માટે તૈયાર રાખવામાં આવી છે, 10 જેટલા વડીલો કે જેઓ બીમાર છે તેમના માટે મેડિકલ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે 15થી વધુ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત,પરત ફરતા લોકો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 360 જેટલા ગુજરાતીઓ પરત ફર્યાં છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરીને વતન પરત ફરેલા ભારતીય મૂળના સુદાનના લોકોને તેમના પરિવારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે એરપોર્ટ પર પરત ફરેલા સુદાનવાસીઓએ સુદાનમાં ફાટી નીકળેલાં ગૃહયુદ્ધ અને ત્યાંની અત્યંત કપરી પરિસ્થતિમાંથી હેમખેમ ભારત લાવવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.