સુરતમાં ધમધમતું થશે ડાયમંડ બુર્સ! દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થશે તેવો સંચાલકોનો દાવો

Surat Diamond Bourse: સુરતને ડાયમંડ સીટી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતમાં જ આવ્યું છે. ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સની 250 જેટલી ઓફિસો રવિવારે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડિસેમ્બરમાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યારસુધી ત્યાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી. જો કે હવે એકવાર ડાયમંડ બુર્સના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અષાઢી બીજના દિવસે 250 ઓફિસ જ્યારે દિવાળી સુધી 1000 ઓફિસ ડાયમંડ બુર્સમાં(Surat Diamond Bourse) શરૂ થઈ જશે.

500 જેટલી ઓફિસમાં હાલ ફર્નિચરનું કામ ચાલુ છે, દિવાળી સુધીમાં 1,000 ઓફિસ થશે શરુ
તમને જણાવી દઈએ કે દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં કુંભઘડો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિસેમ્બરમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ સુરત ડાયમંડ  બુર્સની એકપણ ઓફીસ શરુ થઇ નથી. જો કે તેના સંચાલક દ્વારા ડાયમંડ બુર્સ શરુ કરવા માટેની કવાયત ચાલી રહી છે, જેને લઈને હવે ડાયમંડ બુર્સના સંચાલકો અષાઢી બીજના દિવસે 250 જેટલી ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ સાથે  જણાવવામાં આવ્યું છે કે, 500 જેટલી ઓફિસમાં હાલ ફર્નિચરનું કામ ચાલુ છે એ પૂર્ણ થયા બાદ આ તમામ ઓફિસો પણ શરૂ થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું કે દિવાળી સુધીમાં 1,000 ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં શરુ થઇ જશે. આ મામલે સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમને જણાવતા આનંદ થાય છે કે, રવિવાર 7 જુલાઈના રોજ અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે 250થી પણ વધુ ઓફિસ ઓપનિંગ થવા જઈ રહી છે.

જેને લઈને ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. હાલ 500 ઓફિસમાં ફર્નિચરનો કામ ચાલુ છે, ફર્નિચરનું કામ જે રીતે પૂર્ણ થશે તે ઓફિસો પણ શરૂ થઈ જશે. વધુ તેમણે જણાવ્યું કે  દિવાળી સુધીમાં 1000થી પણ વધુ ઓફિસ શરૂ થઈ જાય અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે. આ અંગે આગળ તેમણે જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા દલાલ અને વેપારી મિત્રોને અમે જણાવવા માંગીશું કે, અમે તેમને ત્યાં આવવા માટે આવકારીએ છીએ.

અમે કતારગામ ગોધાણી સર્કલથી તેમજ મિનિ બજારથી એક એક બસ સવારે સવા આઠથી દર દોઢ કલાકે ડાયમંડ બુર્સ જવા માટે મૂકાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આવવા જવા માટે આ  બસ સેવા રવિવારથી શરૂ થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું કે તમામ દલાલ મિત્રો અને વેપારી મિત્રોને ત્યાં આવું ગમશે. સોમવારથી ડાયમંડ બુર્સમાં મોટાપાયે વેપાર વેપારીઓ શરૂ કરી આગળ વધશે.